///

Farmers Protest: આજે ખેડૂત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસ રાષ્ટ્રપતિ ભવન સુધી કરશે કૂચ

નવા કૃષિ કાયદાના વિરોધમાં આજે ખેડૂતોનું પ્રદર્શન 29માં દિવસે પણ ચાલુ છે અને ખેડૂતો કાયદો પાછો ખેંચવાની માગ પર અડગ છે. જોકે સરકારે આ આંદોલન ખતમ કરવા માટે એક વધુ સંવાદનો પ્રસ્તાવ આપ્યો છે. જ્યારે ખેડૂતોનું કહેવું છે કે, તેઓ વાતચીત માટે તૈયાર છે પરંતુ સરકાર કોઈ યોગ્ય પ્રસ્તાવ આપે. તો બીજી બાજુ કોંગ્રેસ ખેડૂત આંદોલનની ગરમીને વધારવાની તૈયારીમાં છે.

જેમાં ખેડૂતોના પ્રદર્શનના સમર્થનમાં કોંગ્રેસના તમામ સાંસદો આજે સવારે 11 વાગે દિલ્હીમાં વિજય ચોક પર ભેગા થશે અને પછી પગપાળા કૂચ કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે. દાવો છે કે, કોંગ્રેસના સાંસદ રાષ્ટ્રપતિને કૃષિ કાયદા વિરુદ્ધ 2 કરોડ લોકોના હસ્તાક્ષરની કોપી પણ સોંપશે.

તો ભાજપ આ લડતને દિલ્હી બહાર લડવાની પૂરેપૂરી તૈયારી કરી ચૂક્યો છે. જેમાં ભાજપ કૃષિ કાયદાને લઈને ખેડૂતોને જાગૃત કરે છે અને આ માટે ઉત્તર પ્રદેશમાં 400 ખેડૂતો ચોપાલ લગાવશે. દાવો છે કે તેમા 4 લાખ ખેડૂતો જોડાશે. સતત 29 દિવસોથી ચાલતા આ પ્રદર્શન બાદ પણ આંદોલનકારી ખેડૂતો અને સરકાર વચ્ચે એકમત જોવા મળી રહ્યો નથી.

આંદોલન કરી રહેલા ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ સંશોધન ઈચ્છતા નથી અને કૃષિ કાયદા પાછા ખેંચ્યા વગર ચર્ચા શક્ય નથી. આ સાથે જ ખેડૂતોની માગણી છે કે, સરકાર MSP પર કાયદો બનાવે. જ્યારે સરકાર એ બતાવવાની કોશિશમાં છે કે, નવા કાયદા ખેડૂતોના હિતમાં છે અને મોટાભાગના ખેડૂતો તે સમજે પણ છે.

વડાપ્રધાન મોદી 25 ડિસેમ્બરના રોજ 6 રાજ્યોના ખેડૂતો સાથે વાતચીત કરશે. જેમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે પીએમ મોદી કિસાન સન્માન નિધિનો 7મો હપ્તો જારી કરશે અને 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા નાખવામાં આવશે.

ત્યારે સરકાર અને આંદોલન કરી રહેલા ખેડૂત નેતાઓની વાતોથી સ્પષ્ટ છે કે, સંવાદથી જે સમાધાનના પ્રયાસો થઈ રહ્યાં છે તે સંવાદમાં ન તો ખેડૂત નેતાઓ કાયદો પાછો ખેંચ્યા વગર માનવાના નથી, જ્યારે સરકાર આ કાયદા પાછા ખેંચવા બિલકુલ તૈયાર નથી.

Leave a Reply

Your email address will not be published.