///

Farmers Protest : ખેડૂત અને સરકાર વચ્ચેની આજની બેઠક ટળી, સરકાર આજે…

ભારત બંધના એક દિવસ બાદ નવા કૃષિ કાયદા પર ખેડૂતો અને સરકાર વચ્ચે આજે બુધવારે થનારી છઠ્ઠા રાઉન્ડની વાતચીત ટળી છે. બંને પક્ષો વચ્ચે હવે ગુરુવારે વાતચીત થઈ શકે છે. આ બધા વચ્ચે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું આંદોલન આજે 14માં દિવસે પણ યથાવત છે અને ખેડૂતો દિલ્હીની સરહદો પર હજુ પણ ધરણા ધરીને બેઠા છે. આ કારણે આજે પણ હરિયાણા અને ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલી દિલ્હીની બોર્ડરો બંધ રહેશે.

કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન વચ્ચે મંગળવારે મોડી સાંજે મોટો વળાંક જોવા મળ્યો હતો. જેમાં અચાનક કેન્દ્રીય પ્રધાન અમિત શાહની સાથે 13 ખેડૂત નેતાઓની બેઠક થઇ હતી. જે ખેડૂત નેતાઓમાંથી 8 પંજાબના હતાં જ્યારે 5 દેશભરના અન્ય ખેડૂત સંગઠનો સાથે જોડાયેલા હતાં. બેઠક રાત્રીના આઠ કલાકે શરૂ થઈ હતી. પરંતુ વાતચીતનું કોઈ પરિણામ આવી શક્યું નહતું.

ગૃહપ્રધાન અમિત શાહ સાથે બેઠકમાં ખેડૂત નેતાઓએ નવા કૃષિ કાયદા સંબંધિત પોતાની ચિંતાઓ અને સરકારના પક્ષ પર ચર્ચા કરી હતી. ખેડૂત નેતાઓની બેઠક બાદ સૌથી મહત્વપૂર્ણ વાત તો એ છે કે સરકાર નવા 3 કૃષિ કાયદા પરત લેવા માટે તૈયાર નથી. ખેડૂતોની માંગણી મુજબ સરકાર કાયદામાં સંશોધન માટે તૈયાર છે. સરકાર ખેડૂતોને આજે પોતાનો પ્રસ્તાવ મોકલશે.

સરકારના પ્રસ્તાવ પર ચર્ચા માટે આજે બુધવારે ખેડૂત સંગઠનોની સિંઘુ બોર્ડર પર બેઠક થશે. જેમાં આંદોલનની આગળની રણનીતિ ઉપર પણ ચર્ચા થશે. 40 ખેડૂત સંગઠનોની બેઠક બાદ ખેડૂતો એ વાતનો નિર્ણય કરશે કે સરકાર સાથે આગળની ચર્ચા થશે કે નહીં. નવા કૃષિ કાયદાને પરત ખેંચવાની માંગણી પર અડી રહેલા ખેડૂતોના વલણને જોતા એ વાતની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે સરકાર અને ખેડૂતો વચ્ચે આગળની વાતચીત મુશ્કેલ બની શકે છે.

નવા કૃષિ કાયદાના વિરોધમાં આજે વિપક્ષનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે. કોરોના પ્રોટોકોલના કારણે વધુ સંખ્યામાં લોકોના જવા પર રોક છે. જેથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, એનસીપી પ્રમુખ શરદ પવાર અને માકપ મહાસચિવ સીતારમ યેચુરી સહિત 5 નેતાઓ રાષ્ટ્રપતિને મળશે.

Leave a Reply

Your email address will not be published.