////

આવતીકાલે CM રૂપાણીનો કપરાડા અને ડાંગ ખાતે ચૂંટણી પ્રવાસ

આવતીકાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનો મોરબી અને લીંબડી, મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીનો કપરાડા અને ડાંગ તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલનો કરજણ વિધાનસભા સીટ અંતર્ગત ચૂંટણી પ્રવાસ યોજાશે.

ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ 26 ઓક્ટોબરના રોજ સવારના પ્રથમ તબક્કામાં લીંબડી વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર કિરીટસિંહ રાણાના સમર્થનમાં લીંબડી ખાતે અને બપોર બાદના બીજા તબક્કામાં મોરબી વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજાના સમર્થનમાં મોરબી ખાતે ઉપસ્થિત રહી કાર્યકર્તા સંમેલનને સંબોધશે અને સ્થાનિક અગ્રણીઓ, વેપારી મંડળના આગેવાનો, જુદા જુદા સમાજના શ્રેષ્ઠીઓ તથા ભાજપાના સાંસદશ્રીઓ, ધારાસભ્યઓ, ભાજપ સંગઠનના અગ્રણીઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે.

મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી આવતીકાલે કપરાડા વિધાનસભા ક્ષેત્રના ભાજપ ઉમેદવાર જીતુભાઈ ચૌધરીના સમર્થનમાં નાનાપોંઢા ખાતે સવારે 10:00 કલાકે જાહેર સભાને સંબોધશે અને 11: 45 કલાકે હોટેલ સિલ્વર લિફ ખાતે સ્થાનિક અગ્રણીઓ અને જુદા જુદા સમાજના આગેવાનો સાથે બેઠક કરશે. આ ઉપરાંત તેઓ ડાંગ વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર વિજયભાઈ પટેલના સમર્થનમાં બોરખેત ખાતે બપોરે 3:00 કલાકે જાહેરસભાને સંબોધશે અને ડાંગ સ્વરાજ આશ્રમ, આહવા ખાતે બપોરે 4:00 કલાકે સ્થાનિક અગ્રણીઓ, વ્યાપારી આગેવાનો સાથેની બેઠકમાં ઉપસ્થિત રહેશે.

જ્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ આવતીકાલે કરજણ વિધાનસભા સીટના ભાજપ ઉમેદવાર અક્ષયભાઈ પટેલના સમર્થનમાં સાંજે 5:00 કલાકે કુરાળી ગામ ખાતે અને સાંજે 6:00 કલાકે મોટા ફોફળિયા ખાતે જાહેરસભાને સંબોધશે.

Leave a Reply

Your email address will not be published.