////

જો તમે 2020માં રીલીઝ થયેલી સીરીઝ ન જોઈ હોય તો આ રહ્યું Top-10 વેબસિરીઝનું લીસ્ટ

ફિલ્મ જગત માટે 2020નું વર્ષ અનેક ઉતાર-ચડાવવાળું રહ્યું છે. ત્યારે કોરોના મહામારીના પગલે લોકો પણ આ વર્ષને યાદ રાખવા નહીં માંગે. જેની માઠી અસર ફિલ્મ ઉદ્યોગને પણ થઈ છે. લોકડાઉનના કારણે માર્ચ મહિનાના અંતથી ઓગસ્ટ સુધી લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબુર બન્યા હતા. ત્યારે આ સમયમાં જો કોઈ સારી વાત રહી હોય તો તે છે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી વેબ સીરીઝ અને ફિલ્મો છે. ત્યારે એવી અનેક વેબ સિરીઝ આ વર્ષે રિલીઝ થઈ જેમાં કન્ટેન્ટ તગડું હતું અને આ વેબ સિરીઝ દ્વારા દર્શકોને મનોરંજનનો ફુલ ડોઝ મળ્યો છે.

વર્ષ 2020માં ધૂમ મચાવનારી Top-10 વેબ સિરીઝ

Scam 1992
હંસલ મેહતાએ ડીરેક્ટ કરેલી Scam 1992 વેબ સિરીઝ એ વર્ષ 2020નું સરપ્રાઈઝ પેકેજ રહ્યું છે. આ વેબ સિરીઝ વર્ષ 1992માં થયેલા શેર માર્કેટના સૌથી મોટા કૌભાંડ પર બનાવવામાં આવેલી છે. હર્ષદ મહેતાના જીવન પર આધારિત Scam 1992 વેબ સિરીઝ 9 ઓક્ટોબરે રિલીઝ થઈ હતી. જેમાં પ્રતિક ગાંધીએ હર્ષદ મહેતાનું પાત્ર ભજવ્યું હતું, તો શ્રેયા ધન્વંતરિએ સુચેતા દલાલનું પાત્ર નિભાવ્યું છે. આ બંને કલાકારોએ પોતાના પાત્રમાં પ્રાણ ફુંક્યા હતા. આ ફિલ્મમાં સતીશ કૌશિક, હેમંત ખેર, અંજલી બારોટ, રજત કપૂર,નિખિલ દ્વિવેદી, શાદાબ ખાન સહિતનાં કલાકારોએ પણ પોતાના પાત્રને ચાર ચાંદ લગાવી દીધા હતા. માઉથ પબ્લિસિટીના કારણે Scam 1992 સુપરહિટ નીવડી. IMDBના રેટિંગમાં વેબ સિરીઝને 9.5 આપવામાં આવ્યા છે.

સ્પેશિયલ ઓપ્સ
ડિરેક્ટર નીરજ પાંડેએ સ્પેશિયલ ઓપ્સ વેબ સિરીઝને ડાયરેક્ટ કરી છે. આ વેબ સિરીઝમાં એક પછી એક સસ્પેન્સ દર્શકો સામે ખોલવામાં આવે છે. આ વેબ સિરીઝમાં કે.કે. મેનને રો એજન્ટનો અદભૂત અભિનય કર્યો છે. કે.કે મેનન ફિલ્મમાં 2001માં સંસદમાં હુમલો કરનાર ગુનેગારને પકડવા માગતા હતા. Special oops વેબ સિરીઝ પણ ખૂબ લોકપ્રિય બની છે. IMDB પર આ વેબ સિરીઝને 8.5 નું રેટિંગ મળ્યું.

મિર્ઝાપુર સીઝન 2
વર્ષ 2020માં મિર્ઝાપુર વેબસિરીઝનો પાર્ટ 2 રિલીઝ થયો ત્યારે ફેન્સની આતુરતાનો અંત આવ્યો. એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થયેલી મિર્ઝાપુર સિરીઝ ખૂબ જ સુપરહિટ નીવડી છે. પંકજ ત્રિપાઠી, દિવ્યેન્દુ શર્મા, અલી ફઝલ સહિતના કલાકારોની લાજવાબ એક્ટિંગે સીઝન-1માં દર્શકોના દીલ જીત લીધા હતા. દિલધડક એકશન, થ્રીલર વાળી મિર્ઝાપુરના દર્શકો જબરદસ્ત ફેન થઈ ગયા હતા. ત્યારે મિર્ઝાપુરની સિઝન-2 રિલીઝ થતા જ હજારો લોકોએ વેબસિરીઝ જોઈ લીધી હતી. હા એ વાત અલગ છે કે મિર્ઝાપુર-2 દર્શકોની અપેક્ષા કરતા થોડી ઉણી ઉતરી હતી પરંતું મિર્ઝાપુરના ફેન્સ માટે તો તેમના મનપસંદ કલાકારોને જોવાનો લ્હાવો જ અલગ હતો. મિર્ઝાપુર 2 ને IMDB પર 7.1 નું રેટિંગ મળ્યું છે.

પંચાયત
પંચાયત વેબ સિરીઝમાં બતાવવામાં આવેલી સાદગી લોકોને પસંદ આવી છે. પંચાયત વેબ સિરીઝમાં વાસ્તવિક દુનિયા બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વેબસિરીઝમાં જીતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા અને રઘુવીર યાદવે કામ કર્યું છે. અભિષેક નામનો એન્જીનીયર યુવક ઉત્તર પ્રદેશના નાનકડા ગામમાં નોકરી કરે છે. એક શહેરમાં રહેતા યુવકની ગામડામાં રહી જિંદગી કેટલી બદલાઈ જાય છે તે આ વેબ સિરીઝમાં બારીકાઈથી દર્શાવવામાં આવ્યું છે. IMDB તરફથી પંચાયતને 8.7 રેટિંગ આપવામાં આવ્યું છે

પાતાલ લોક
બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસે પાતાલ લોકનું નિર્માણ કર્યું. એમેઝોન પ્રાઈમ પર આ વેબ સિરીઝ રિલીઝ કરવામાં આવી હતી. આ સિરીઝમાં સસ્પેન્સ અને થ્રિલરનો સમન્વય છે. જયદીપ આહલાવત, સ્વાસ્તિકા મુખર્જી અને દિવંગત અભિનેતા આસિફ બસરાએ અભિનય કર્યો છે. પાતાલ લોકને આમ તો મિક્સ રિવ્યૂ મળ્યા છે. પણ ધીમે ધીમે દર્શકોને ગમતી ગઈ. હથોડા ત્યાગી અને હાથીરામ ચૌધરીનું પાત્ર ખૂબ પ્રચલિત થયું. પાતાલ લોકને IMDB પર 7.8 રેટિંગ મળ્યું છે

આર્યા
મિસ યુનિવર્સનો ખિતાબ મેળવનાર અભિનેત્રી સુસ્મિતા સેને વર્ષ 2020માં ડિજિટલ ડેબ્યુ કર્યું. ઘણા વર્ષો સુધી એક્ટિંગથી દુર રહેનાર સુસ્મિતા સેનનું ડિજિટલ પ્લેટફોર્મ પર આગમન ધમાકેદાર રહ્યું. આર્યા એક ક્રાઇમ ડ્રામા હતી જે હોટ સ્ટારમાં વર્ષના શરૂઆતમાં રિલીઝ થઈ હતી. આ વેબ સિરીઝનો એક એપિસોડ ભલે 50 મિનિટનો રહ્યો હોય પણ તેની સ્ટોરી એટલી રસપ્રદ હતી કે દર્શકો છેલ્લા એપિસોડ સુધી જકડાઈ રહ્યા. આર્યાની કહાની રાજસ્થાનના જયપુરના એક પરિવારની છે. વેબ સિરીઝની સ્ટોરીમાં એક પછી એક ટવીસ્ટ આવે છે. આર્યા વેબ સિરીઝને દર્શકોએ ભરપૂર પ્રેમ આપ્યો. IMDB પર આર્યાને 7.6 રેટિંગ મળ્યા છે.

અસુર : વેલ્કમ ટુ યોર ડાર્ક સાઇડ
આ વેબસિરીઝ અર્શદ વારસી, વરુણ સોબતી, રિદ્ધિ ડોગરા અને અનુપ્રિયા ગોઇંકાએ અભિનીત કરી છે. હિન્દુ પૌરાણિક કથાઓ અને વિજ્ઞાનના તર્ક સાથે બનેલી અસુર પણ ધીમે ધીમે દર્શકોમાં ક્રેઝ બનાવતી જોવા મળી છે. અસુરની વાર્તામાં આવતા વળાંક તેમજ જકડી રાખે તેવી આ સ્ટોરીના એક પછી એક એપિસોડ જોવા દર્શકોને મજબૂર કરતી હતી. IMDB પર અસુરને 8.4 રેટિંગ મળ્યા છે.

બંદિશ બેન્ડિટ્સ
બંદિશ બેન્ડિટ્સ એક મ્યુઝિકલ જર્નીની ફીલીંગ્સ આપતી સુંદર મજાની વેબ સિરીઝ છે. એમેઝોન પ્રાઈમ પર આ વેબ સિરીઝ રિલીઝ કરવામાં આવી હતી. રાજસ્થાનનો એક યુવક જે સંગીતની દુનિયામાં સફળતાના શિખર સર કરવા માંગે છે પણ તેના આ માર્ગમાં તેના દાદા જ અડચણ ઊભી કરે છે. મુખ્ય પાત્રના દાદા પંડિત રાધે મોહન જે શહેરના સંગીતના સમ્રાટનો ખિતાબ વર્ષોથી મેળવતા રહ્યા છે. સંગીતની સાધના માટે અનુશાસનને અનિવાર્ય માનતા પંડિત રાધે મોહન પોતાના પૌત્રને સંગીતની વિરાસત આપવા માગતા નથી. સ્ટોરીમાં ટર્ન એન્ડ ટવીસ્ટ આવે છે તે દર્શકોને જકડીને રાખે છે. ઋત્વિક ભૌમિક, શ્રેયા ચૌંધરી અને નસરુદ્દીન શાહ અભિનીત આ સિરીઝને IMDB તરફથી 8.6 રેટિંગ મળ્યું છે.

ઓપરેશન MBBS
યુવાઓની લાઇફ સ્ટાઈલ અને તેમના જીવનની બનતી નાની મોટી ઘટનાઓ પર યુ ટ્યુબ પર ફિલ્ટરકોપી અને તેની જ પાર્ટ ચેનલ Dice media નાની મોટી વેબ સિરીઝ બનાવે છે જે યુવાઓમાં ખૂબ લોકપ્રિય હોય છે. વર્ષ 2020માં Dice mediaએ મેડીકલ સ્ટુડન્ટ્સની વ્યથા દર્શાવતી વેબ સિરીઝ operation mbbs રિલીઝ કરી. આ વેબ સિરીઝમાં MBBSના પ્રથમ યરમાં એડમીશન લેનારા ત્રણ વિધાર્થીઓની કહાની બતાવવામાં આવી છે. ડોકટરીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મનોવ્યથા કેવી હોય છે અને વાસ્તવિકતામાં વિદ્યાર્થીઓને રોજ રોજ કેવી સ્થિતિમાંથી પસાર થવું પડે છે તેને ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. આયુષ મેહરા, અંશુલ ચૌહાણ અને સારા હાશ્મીએ પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. operation mbbsને IMDB તરફથી 8.1 રેટિંગ મળ્યા છે.

જમતારા – સબકા ટાઈમ આયેગા
જમતારા Netflix પર 19 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. જમતારા ઝારખંડનું એક ટાઉન છે. કેટલાક યુવકો ભેગા થાય છે. આ લોકો ફ્રોડ કોલ કરે છે અને કરોડો રૂપિયા પોતાના ખાતામાં જમા કરી દે છે. જમતારા જિલ્લામાં યુવાઓ માટે કમાણીનો આ આસાન ઉપાય બની ગયો હતો. વર્ષ 2014 થી 2018 સુધી જમતારામાં આ પ્રકારની ઘટનાઓ બનતી હતી. આ સત્ય ઘટનાઓને આધાર રાખી જમતારાની સ્ટોરી બનાવવામાં આવી. જમતારામાં કૌભાંડ આચરનારા પણ યુવા હતા તેમ આ વેબ સિરીઝમાં કલાકારો પણ યુવા લેવામાં આવ્યા હતા. IMDB તરફથી જમતારાને 7.4 રેટિંગ મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published.