///

પ્રાંતિજમાં રવિ અને સોમવારે વેપારીઓ બજારો સ્વયંભૂ બંધ રાખશે

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના સંક્રમણમાં વધારો નોંધાયો છે. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. જેના પગલે અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા કરફ્યૂ લાદવામાં આવ્યો છે. ત્યારે હવે કોરોના સંક્રમણ વધતા રાજ્યની અનેક નગરપાલિકાઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી રહી છે. જેમાં પ્રાંતિજમાં પણ વેપારીઓએ રવિવાર અને સોમવારે બજાર સ્વયૂંભૂ બંધ રાખવાની જાહેરાત કરી છે.

કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખતા પ્રાંતિજમાં વેપારીઓ સતર્ક બન્યા છે. પ્રાંતિજમાં નગરપાલિકાના અધિકારીઓ સાથેની બેઠકમાં વેપારીઓએ બજારને રવિવાર અને સોમવારે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તો બીજી તરફ 21થી 30 નવેમ્બર સુધી રાત્રિના 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જનતા કરફ્યુની વેપારીઓએ અપીલ કરી છે.

આ ઉપરાંત કોરોના સંક્રમણને રોકવા માટે આણંદની ઓડ નગરપાલિકા દ્વારા પણ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે બે દિવસ આણંદના ઓડમાં પણ લોકડાઉન રહેશે.

નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાના કહેરને કાબુમાં લેવા અમદાવાદ સહિત રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ શહેરમાં કરફ્યૂનો કડક રીતે અમલ કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.