////

રાજકોટમાં સતત બીજા દિવસે પણ વેપારીઓનો દુકાનો સજ્જડ બંધ પાડીને વિરોધ

રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વેપારીઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે. ત્યારે જુબેલી રોડના વેપારીઓએ ગઈકાલે ટ્રાફિક પોલીસની કનડગતને લઈ વિરોધ કર્યો હતો. વેપાર-ધંધા બંધ રાખી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ત્યારે આજે શુક્રવારે રાજકોટ શહેરના લોધાવાડ ચોક અને ભૂતખાના ચોકમાં આવેલી તમામ દુકાનો સજ્જડ બંધ રાખી વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે.

વેપારીઓનું કહેવું છે કે દુકાને ખરીદી કરવા આવતા ગ્રાહકો દુકાન પાસે વાહન પાર્ક કરે એટલે રાજકોટ શહેરની ટ્રાફિક પોલીસ ટોઈંગ વ્હિકલ દ્વારા તેમના વાહનો ઉપાડી જાય છે. જેના કારણે ગ્રાહકોને દંડ ફટકારવામાં આવતા તેમના વેપાર ધંધા ઉપર અસર પડી રહી છે.

ટ્રાફિક પોલીસ દ્વારા મનફાવે તે પ્રમાણે ઉઘરાણાં કરવામાં આવી રહ્યા છે તે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે તેવી માગણી વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટની ટ્રાફિક સમસ્યા હલ કરવા મેયર ડો. પ્રદીપ ડવે એક્શન પ્લાન ઘડ્યો છે અને પોલીસની સાથે બેઠક કરી ટ્રાફિક સમસ્યા હળવી થાય તેવા પ્રયાસો કરવામાં આવે તે પહેલાં જ બે દિવસથી વેપારીઓમાં ટ્રાફિક પોલીસ સામે રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.