ખેડૂત આંદોલન હજુ યથાવત છે, ત્યારે આ વચ્ચે ગુરુવારે ટ્રાન્સપોર્ટરે મોટી જાહેરાત કરી દીધી છે. જેમાં તેમણે સરકારને બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમના મુજબ આગામી બે દિવસમાં ખેડૂતોની માગણીઓ અંગે સરકાર ઉકેલ નહીં લાવે તો દિલ્હીના સડકો પર ટ્રક અને ટેક્સીઓ બંધ થઇ જશે.
કૃષિ કાયદા મામલે સરકાર અને આંદોલનકારી ખેડૂતો વચ્ચે ચોથા તબક્કાની મંત્રણા ચાલુ છે. પરંતુ પોતાની માગો પર અડગ ખેડૂતોને સરકાર પાસેથી ત્રણેય કાયદા પાછા ખેંચવા અને MSP સહિતની તેમની માગો અંગે લેખિતમાં ખાતરી જોઇએ છે. સાથે જ પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી બોર્ડર પર ડટેલા છે. તેમની માગો છે કે, સરકાર સંસદમાં લાવવામાં આવેલા ત્રણેય કૃષિ કાયદા રદ કરે. હવે ખેડૂત આંદોલનને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ સમર્થન મળતા કેન્દ્ર સરકાર પણ આ મામલો ઝડપથી ઉકેલવા માગે છે.
આ ઉપરાંત ખેડૂતોએ બીજા તબક્કાની મંત્રણા વખતે સરકાર પાસે પોતાની 6 માગો મૂકી દીધી હતી. ત્યારે સરકાર વચ્ચેનો કોઇ માર્ગ શોધી રહી છે. તેમ છતાં ખેડૂતો ત્રણેય કાયદા પાછા ખેંચવા અને લઘુત્તમ ટેકાના ભાવો સહિત પોતાની તમામ માગો અંગે લેખિતમાં ખાતરી માગી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી દિલ્હીની સડકો પર ખેડૂત આંદોલન વધુ વેગ પકડી રહ્યું છે. દિલ્હી કૂચ કરવા માટે હરિયાણા અને પંજાબના ખેડૂતોની સાથે અન્ય કેટલાક સંગઠનો પણ જોડાવા લાગ્યા છે.
તો બીજી બાજુ ટ્રાન્સપોર્ટરોએ મોટી જાહેરાત કરતા કહ્યું છે કે, સરકાર જો આગામી બે દિવસમાં ખેડૂતોની વાત નહીં માને તો દિલ્હીમાં તમામ ટ્રક, ટેકસીઓ બંધ કરી દેવામાં આવશે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ જાલંધરના પ્રધાન જગજીત સિંઘ કંબોજ અને ચેરમેન મોહિન્દર સિંઘના નેતૃત્વમાં એક બેઠક મળી હતી. જેમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશને ખેડૂત આંદોલનને ટેકો જાહેર કર્યો છે.
આ અંગે પ્રધાન કંબોજે કહ્યું કે, ટ્રાન્સપોર્ટ અને ખેડૂતોનો ગાઢ સંબંધ છે. ખેતી ચાલશે તો ટ્રાન્સપોર્ટ ચાલશે. ગુરુવારે રાજસ્થાનના ખેડૂતો પણ આંદોલનમાં જોડાઇ ગયા હતા. જયપુરમાં ખેડૂતો દિલ્હી હાઇવે પર ભેગા થયા હતા. પરિસ્થિતિ જોતા ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો વાહનોના રુટ પણ બદલી દેવાયા છે.