///

કોરોનામાં ફરજ બજાવનારા પ્રવાસી શિક્ષકોને હજુ પણ પગાર ચુકવાયો નથી

રાજ્યમાં કોરોનાના કપરા કાળમાં સાત માસ સુધી ફરજ બજાવનાર પ્રવાસી શિક્ષકોને તેમનું મહેનતાણું હજુ સુધી મળ્યું નથી. જેના પગલે પ્રવાસી શિક્ષકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જૂન, 2020થી સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણની કામગીરી શરૂ થઈ ત્યારથી પ્રવાસી શિક્ષકો મહત્વના વિષયો વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે, છતાં હજુ સુધી તેમને મહેનતાણું મળ્યું ન હોઈ પ્રવાસી શિક્ષકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ મુદ્દે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ વિભાગમાં પત્ર લખી પ્રવાસી શિક્ષકોને મળવાપાત્ર રકમની ગ્રાન્ટ વહેલી તકે છુટી કરવા માગણી કરી છે.

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં કાયમી શૈક્ષણિક સ્ટાફની ભરતીના વિકલ્પે પ્રવાસી શિક્ષકની જોગવાઈ કરવામાં આવી છે. પ્રવાસી શિક્ષકોને તાસ દિઠ મહેનતાણું ચુકવવામાં આવતું હોય છે. એટલે કે, પ્રવાસી શિક્ષકો જેટલા તાસ લે તે પ્રમાણે તેમને મહેનતાણું ચુકવવાનું હોય છે. આ માટે સરકાર દ્વારા મહેનતાણાના દર પણ નક્કી કરવામાં આવ્યા છે.

રાજ્યની 6 જૂન, 2020થી પ્રથમ સત્રની શરૂઆત થઈ છે. જોકે, રાજ્યમાં કોવિડ-19ના પગલે વિદ્યાર્થીઓને સ્કુલે આવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જોકે, સ્કૂલનો શૈક્ષણિક સ્ટાફ શાળા શરૂ થયા બાદથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણની કામગીરી માટે શાળા શરૂ થયા બાદથી કામગીરી કરી રહ્યા છે. સંચાલકોએ પોતાની સ્કૂલમાં મહત્વના વિષયો જેવા કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીની ખાલી જગ્યા પર પ્રવાસી શિક્ષકોને કામગીરી સોંપી છે. આમ, હાલમાં સાત માસનો સમયગાળો પુરો થવા આવ્યો છે અને પ્રવાસી શિક્ષકોને તેમના મહેનતાણા વગર જે તે સંસ્થામાં ફરજ બજાવી રહ્યા છે.

કોરોનાના કપરા કાળમાં 7 મહિના સુધી કામગીરી કરી હોવા છતાં તેમને મહેનતાણું મળ્યું ન હોવાથી તેઓ નારાજ થયા છે અને અસંતોષની લાગણી ફેલાઈ છે. સાત માસ પછી પણ મહેનતાણું મળ્યું ન હોઈ પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હોવાની રજૂઆતો પણ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published.