દિલ્હી ચલો અભિયાન અંતર્ગત ખેડૂતનું રોડ અકસ્માતમાં મોત થયું છે. આ ઘટના ભિવાની જિલ્લામાં મુંઢાલ ગામની પાસે બેરિયર પર બની છે. ટ્રકે દિલ્હી જઈ રહેલા ખેડૂતના ટ્રેક્ટરની ટ્રોલીને પાછળથી ટક્કર મારી હતી. જેમાં ટ્રેક્ટરમાં સવાર 45 વર્ષીય ઘન્ના સિંહ નામના ખેડૂતનું સ્થળ પર જ મોત નિપજ્યું છે. ઘન્ના સિંહ પંજાબના માનસા જિલ્લાના ખ્યાલી ચેહલાવાલી ગામના રહેવાસી હતા.
રોડ અકસ્માતમાં ખેડૂતનું મોત થતા ઘટના સ્થળે રહેલી પોલીસે કાર્યવાહી ચાલુ કરી હતી. ત્યારે ખેડૂતોએ પોલીસને મૃતદેહ કબ્જામાં લેવા દીધો નહતો. આ ઘટના બાદ પોલીસ સ્થળ પર તૈનાત છે. પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ ઘટનામાં 2 ખેડૂતો ઘાયલ થયા છે. જેમને રોહતકના એક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. હાલમાં પોલીસ આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ખેડૂતો નવા કૃષિ કાયદાના વિરોધમાં આ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓએ 26-27 નવેમ્બર દિલ્હી ચલો અભિયાન અંતર્ગત ટ્રેક્ટરમાં દિલ્હી તરફ કુચ કરી છે. જોકે તંત્ર કોરોનાના નામે તેમને પ્રદર્શન કરતા રોકવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે કે બિહારની ચૂંટણી સમયે કોરોનાની ગાઈડલાઈન ક્યાં હતી. મહત્વનું છે કે આ તકે અભિયાનમાં ખેડૂતોને રોકવા ટિયર ગેસના સેલ, પાણીનો મારો તેમજ બેરિકેટ લગાવ્યા છે. જો કે જગતનો તાત પોતાના હક માટે તમામ પડકારોની વચ્ચે આગળ વધી રહ્યો છે. ત્યારે આ અકસ્માતની ઘટનાને પગલે ખેડૂતો ચિંતામાં ગરક થયા હતાં.