/

પૂર્વ પ્રમુખ બનતા જ ટ્રમ્પને હવે આ કેટલાક નિયમોનું પાલન કરવુ પડશે

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ હવે અમેરિકાના પૂર્વ પ્રમુખોની યાદીમાં સામેલ થયુ છે. તે સાથે જ પૂર્વ પ્રમુખોની જેમ તેમના પર પણ આજીવન કેટલાક પ્રતિબંધો લાગી જશે. જેમાં જાહેરમાં ડ્રાઇવિંગ કરવા પર પાબંદીનો સમાવેશ થાય છે.

ટ્રમ્પના સ્થાને ડેમોક્રેટ્સના ઉમેદવાર જો બિડેન આગામી અમેરિકી પ્રમુખ બનશે.

અમેરિકામાં પૂર્વ પ્રમુખોને કેટલાક નિયમોનું ફરજિયાત પાલન કરવાનું હોય છે. તેથી 74 વર્ષીય ટ્રમ્પના જીવનમાં પણ કેટલીક પાબંદીઓ લાગુ થઇ જશે. તો કેટલીક એવી શરતોનું પણ તેમને પાલન કરવું પડશે, જેનાથી તેમની પ્રાઇવેસી જેવી કોઇ ચીજ નહીં રહે.

ટ્રમ્પનો સ્વભાવ જોતા તેમના માટે આ નિયમોનું પાલન કરવાનું મુશ્કેલ થઇ શકે છે. કારણ કે કેટલાક નિયમો તો એવા છે કે અત્યાર સુધીના સૌથી સંયમી પ્રમુખ પૈકીના એક બરાક ઓબામા સહિત ઘણા પૂર્વ પ્રમુખો અનેક વખત અકળાઇ ગયા હતાં. આ નિયમો કેવા છે, જુઓ

અમેરિકાના તમામ પૂર્વ પ્રમુખોને જોખમ હોવાથી આજીવન સુરક્ષા આપવામાં આવે છે. તેથી સિક્રેટ એજન્ટ હંમેશા તેમની સાથે હોય છે. પૂર્વ પ્રમુખો વેરાન માર્ગો પર તો ડ્રાઇવિંગ કરી શકે છે, પણ જાહેરમાં તેઓ ડ્રાઇવ કરી શકતા નથી.

1963માં જોહ્ન એફ કેનેડીની હત્યા બાદ 1963થી 1969 સુધી 6 વર્ષ પ્રમુખ રહેલા લિંડન બી જોન્સન છેલ્લા પ્રમુખ હતા. જેમણે નિવૃત્તિ બાદ પણ જાહેરમાં ડ્રાઇવિંગ કરી હતી.

રાષ્ટ્રીય સુરક્ષાના દરેક અપડેટ મળતા રહેશે

અમેરિકામાં નિવૃત્ત થયા બાદ પણ પૂર્વ પ્રમુખોને રાષ્ટ્રીય સુરક્ષા અંગેની દરેક અપડેટ મળતી રહે છે. એટલું જ નહીં રાષ્ટ્રીય સુરક્ષા મામલે તેમની સલાહ પણ લેવામાં આવે છે.

2018માં એવા ન્યૂઝ પણ આવ્યા હતા કે પ્રમુખ ટ્રમ્પે બરાક ઓબામાને રાષ્ટ્રીય સુરક્ષા અંગેની માહિતી આપવાથી વંચિત કરી દેવાની ધમકી આપી હતી. જો કે પાછળથી ટ્રમ્પે આ અહેવાલને ખોટા ગણાવ્યા હતાં.

પૂર્વ પ્રમુખો ક્યારેય એકલા રહી શકશે નહીં

અમેરિકાના પૂર્વ પ્રમુખોના અંગત જીવન એટલે કે પ્રાઇવેટ લાઇફ પર સરકારી અંકૂશ રહે છે. તેમના ફોન, ચેટ, મેસેજ પર સુરક્ષા એજન્સીઓની નજર રહે છે. મતલબ કે તેમના નામે આવતા દરેક પેકેજ, પત્ર કે અન્ય કોઇ પણ વસ્તુની સિક્રેટ એજન્ટ પહેલાં તપાસ કરી લે છે.

અમેરિકન પોસ્ટલ સર્વિસ પણ પૂર્વ પ્રમુખોના નામે આવતા પેકેજની સઘન તપાસ કરે છે. એટલું જ નહીં પૂર્વ પ્રમુખ ક્યારેય એકલા રહી શકતા નથી. તેમની સાથે હંમેશા પડછાયાની જેમ સિક્રેટ એજન્ટ હોય છે.

તમામ પૂર્વ પ્રમુખોના નામે લાયબ્રેરી

અમેરિકાના 1955ના પ્રેસેડેન્શિયલ લાયબ્રેરી એક્ટ હેઠળ દરેક પૂર્વ પ્રમુખના નામે એક લાયબ્રેરી હોય છે. જેમાં પ્રમુખ તરીકે તેમણે લીધેલા નિર્ણયો અને તેમના કાર્યકાળની મુખ્ય ઘટનાઓની માહિતી ઉપલબ્ધ હોય છે.

લાયબ્રેરી અંગેનો નિર્ણય ક્યારે લેવાયો

પૂર્વ પ્રમુખ રિચર્ડ નિકસને તેમના કાર્યકાળમાં થયેલા વિશ્વ પ્રસિદ્ધ વોટરગેટ કૌભાંડ અંગેની માહિતી છુપાવવાનો પ્રયાસ કર્યા બાદથી આ લાયબ્રેરી અંગેનો નિર્ણય લેવાયો છે.

Leave a Reply

Your email address will not be published.