///

ક્રિપ્ટોકરન્સી ધારકોને ઝટકો : Paytm એ પેમેન્ટ માટે બેન્કિંગ સપોર્ટ આપવાનું બંધ કર્યું

દેશની અગ્રણી પેમેન્ટ સિસ્ટમ Paytmએ ક્રિપ્ટોકરન્સીના એક્સચેન્જ માટે બેન્કિંગ સપોર્ટ કરવાનું બંધ કરી દીધું છે. ત્યારે આ નિર્ણયથી ઝડપથી ફેલાઇ રહેલા અદૃશ્ય ચલણના રોકાણકારોને આંચકો લાગશે.

મહત્વનું છે કે, અત્યાર સુધીમાં WazirX, ZebPay, CoinSwitch, Kuber જેવા ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન માટે Paytmના પેમેન્ટ બેન્ક પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા હતા. પરંતુ Paytmએ રિઝર્વ બેન્કના વલણને ધ્યાનમાં રાખી તેને સપોર્ટ નહીં આપવાનો નિર્ણય લીધો છે.

હાલમાં Paytm વતી આ મામલે કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી છતાં આ વાતની પુષ્ટિ WazirXએ કરી છે. 20 મેના રોજ વજીરએક્સ તરફથી એક ટ્વીટ કરાઇ હતી. તેમાં જણાવ્યું હતું કે 21 મેથી વજીરએક્સ Paytm બેન્ક એકાઉન્ટમાં ઇન્ડિયન કરન્સીમાં પેમેન્ટ લેશે નહીં. જો માહિતીના અભાવમાં કોઇ યુઝર IMPS/NEFT/RTGS ટ્રાન્ઝેક્શન કરે છે તો પછીના 7થી 10 કામકાજના દિવસો (બિઝનેસ ડેઝ)માં તેના પૈસા પરત થઇ જશે.

વજીરએક્સે એવું પણ કહ્યું કે, અમે આના માટે નવા પાર્ટનરને શોધી રહ્યા છીએ. ત્યાં સુધી યુઝર્સને WazirX P2Pનો વિકલ્પ પસંદ કરવાની અપીલ કરવામાં આવે છે. તેના સપોર્ટથી ક્રિપ્ટોકરન્સીની લે-વેચ થઇ શકશે.

ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ વર્ષ 2018માં જ સ્પષ્ટ કરી દીધુ હતું કે, તે પોતાના પ્લેટફોર્મનો ઉપયોગ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ માટે કરવા દેશે નહીં. જો કે માર્ચ 2020માં સુપ્રીમ કોર્ટે આરબીઆઇના આ નિર્ણયને પલટાવી દીધુ હતું. ત્યાર બાદ બેન્કો માટે ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જમાં બેન્કિંગ સપોર્ટ આપનવાનો માર્ગ ખુલી ગયો. તેમ છતાં રિઝર્વ બેન્ક તેની વિરુદ્ધ હતી અને થોડા દિવસ પહેલાં એક રિપોર્ટમાં કહેવાયુ હતું કે ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જને બેન્કિંગ સર્વિસ આપવાથી બેન્કોને ના પાડવામાં આવ્યું છે. ત્યાર બાદ ઘણી બેન્કો આ દિશામાં નિર્ણય લઇ રહી છે. તેમાં Paytm પણ સામેલ છે.

આપને જણાવી દઈએ કે, ક્રિપ્ટોકરન્સી એક અદૃશ્ય ચલણ છે. તે કોઇ હુંડિયામણ કે ડિજીટલ સ્વરુપમાં નથી કે કોઇ સિક્કા કે નોટ સ્વરુપમાં પણ નથી. તે સંપૂર્ણપણે ઓનલાઇન ચલણ કહેવાય. જેના દ્વારા કોઇ પણ નિયમો વિના વેપાર અને લાખો કરોડોના મુલ્યનું ટ્રાન્ઝેક્શન થાય છે. ભારત સહિત ઘણા દેશોમાં તેને લઇ અસમંજસની સ્થિતિ બનેલી છે.

તાજેતરમાં અખબારી અહેવાલોમાં જણાવાયું હતું કે, કેન્દ્ર સરકાર ક્રિપ્ટોકરન્સી અંગે યોજના બનાવી રહી છે. તેના માટે સંસદમાં ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજીટલ કરન્સી બિલ રજુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે તે અંગે હજુ સુધી કોઇ માહિતી બહાર પડાઇ નથી. આ બિલ ભારતમાં ક્રિપ્ટોકરન્સીના ઉપયોગને કાયદાકીય રીતે નિયંત્રિત કરશે.

Leave a Reply

Your email address will not be published.