///

લેહનું લોકેશન ચીનમાં દર્શાવવા પર ટ્વીટરે કરવી પડી સ્પષ્ટતા

ટ્વીટરે 18 ઑક્ટોબરના રોજ પોતાના પ્લેટફોર્મ પર લેહ-લદ્દાખના જિયો ટેગ લોકેશનને જમ્મુ-કાશ્મીર, ચીનમાં દર્શાવ્યું હતું. જે બાદ કેન્દ્ર સરકારના આઈટી સચિવ અજય સાહનીએ ટ્વીટરના CEO જૈક ડોર્સીને આ મામલે આકરા શબ્દોમાં ચેતવણી આપવા સાથે પત્ર લખ્યો હતો.

સરકારે ટ્વીટર દ્વારા ભારતના નક્શાને ખોટી રીતે રજૂ કરવા પર વાંધો ઉઠાવ્યો હતો. ટ્વીટરે આ મુદ્દે સરકાર સમક્ષ સ્પષ્ટતા કરી હતી. જો કે હવે આ બાબત પર સાંસદોની સમિતિનું કહેવું છે કે, ટ્વીટરની સ્પષ્ટતા પૂરતી નથી.

આ પેનલની ચીફ મીનાક્ષી લેખીએ કહ્યું કે, સમિતિ પોતાની વાત પર એકમત છે કે, લદ્દાખને ચીનના હિસ્સા તરીકે દર્શાવવાના મામલે ટ્વીટરની સ્પષ્ટતાથી અપૂરતી હતી. ટ્વીટર ઈન્ડિયાના અધિકારીઓએ સમિતિને જણાવ્યું હતું કે, ટ્વીટર આ મામલે ભારતની સંવેદનશીલતાનું સમ્માન કરે છે, પરંતુ તે પુરતું નથી.

આ માત્ર સંવેદનશીલતાનો પ્રશ્ન નથી, પરંતુ ભારતની સંપ્રભૂતા અને અખંડતાના વિરુદ્ધ છે. લદ્દાખને ચીનના હિસ્સા તરીકે દર્શાવવું એક ગુનાહિત કૃત્ય છે અને આ મામલે 7 વર્ષની કેદની સજા થઈ શકે છે.

આ અંગે IT સચિવ અજય સાહનીએ ટ્વીટ કરીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, લેહ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખનો ભાગ છે. લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે, જે ભારતના બંધારણ દ્વારા શાસિત છે.

સાહનીએ ટ્વીટરને ચેતવણી આપતા કહ્યું હતું કે, સોશિયલ મીડિયાએ ભારતના લોકોની ભાવનાની કદર કરવી જોઈએ. ભારતની સંપ્રભૂતા અને અખંડતા સાથે કરવામાં આવેલુ આ અપમાન ક્યારેય સ્વીકારવામાં નહીં આવે. આ કાયદાનું ઉલ્લંઘન છે.

IT સચિવે પત્રમાં લખ્યું છે કે, આવા કૃત્યથી માત્ર ટ્વીટરની છબી જ નથી ખરડાતી, પરંતુ સોશિયલ સાઈટની તટસ્થતા અને નિષ્પક્ષતા પર પણ સવાલ ઉઠાવે છે.

Leave a Reply

Your email address will not be published.