///

વ્યારામાં પિકએપે મોપેડને અડફેટે લેતા બે મહિલા તાલીમાર્થી પોલીસકર્મીના મોત

ગુજરાત રાજ્યમાં આવેલા વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામે મોપેડ પર સવાર બે મહિલા પોલીસને ટેમ્પોએ ટક્કર મારતા તેમના મોત નીપજ્યા છે. આ ઘટના અંગે જાણ થતાં કાકરાપાર પીએસઆઇ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ચીખલવાવ ગામના ગામીત ફળિયામાં રહેતી સ્મિતાબેન હરીશભાઇ ગામીત અને વ્યારા તાલુકાના સરકૂવા ગામમાં રહેતી રિતિકાબેન ભૂપેન્દ્રભાઈ ગામીત થોડા મહિના પહેલાં ગુજરાત પોલીસમાં ભરતી થયા હતા. તેમની પસંદગી સુરત શહેર માટે થઈ હતી. ત્યારે આ બંને પોલીસ કર્મીઓ તાપી જિલ્લામાં ઇ ગુજકોપની ટ્રેનિંગ માટે કાકરાપાર પોસ્ટમાં કામગીરી કરતાં હતાં.

સ્મિતા ગામીત તેમજ રિતિકા ગામીત એક્ટિવા લઈને ગુજકોપની ટ્રેનિંગ માટે કાકરાપાર પોસ્ટ જવા નીકળ્યા હતા. આ દરમિયાન વ્યારા કાકરાપાર રોડ પર ચાપાવાડી ગામની સીમમાં પસાર થઇ રહ્યા હતા, ત્યારે ઊંચા માળાથી આવતી પિકઅપ વાનચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી મહિલા પોલીસકર્મીની એક્ટિવા સાથે અથડાવી અકસ્માત કર્યો હતો.

આ અકસ્માતમાં સ્મિતાબેન ગામીત ઉંમરને ગંભીર ઇજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતાં. તો પાછળ બેઠેલા રિતિકાબેનને ગંભીર ઇજા પહોંચતાં પ્રાથમિક સારવાર વ્યારા બાદ સુરત ખાતે લઈ જવાયાં હતાં ત્યાં તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે કાકરાપાર પોસ્ટને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાથે જ ફરાર થયેલા પિકઅપચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.