////

કોડીનાર નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે મિત્રોનાં મોત

ગીરસોમનાથ જિલ્લાના ઊના-સોમનાથ નેશનલ હાઇવે પર કોડિનાર નજીક આવેલા માલગામ પાસે ગઈકાલે મોડી રાત્રે એક ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કોડિનાર શહેરનાં બે આશાસ્પદ યુવકોના મોત નિપજ્યાં છે. દિવથી પરત આવી રહેલી વેર્નાકાર ધડાકાભેર ટ્રકમાં ઘૂસી જતા બે મિત્રોનાં મોત નિપજ્યાં છે. જ્યારે ત્રણને ઇજા પહોંચી છે.

મળતી માહિતી મુજબ કોડિનાર શહેરના પાંચ મિત્રો ગઈકાલે દીવ ફરવા ગયા હતાં. તે દરમિયાન રાત્રે દીવથી પરત ફરતા સમયે માલગામનના પાટીયા નજીક આવેલી ઝાયકા હોટલ પાસે વેર્નાકાર ટ્રકની પાછળ ઓવરટેક કરતા સમયે ઘૂસી ગઈ હતી. દરમિયાન અકસ્માતમાં પાંચ પૈકીના એક યુવકનું ઘટનાસ્થળે જ અને અન્ય એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્યોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.

દરમિયાન આ અકસ્માતમાં કારના કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં જીતુ અને અલ્પેશ નામના બે મિત્રોના મોત નિપજ્યા હતાં. જ્યારે અન્ય ત્રણ યુવકોને સામાન્ય નાની મોટી ઇજાઓ પહોંચી હતી. કાર ચાલક કુશ નામના યુવકને પણ માથાના ભાગે ઇજા પહોંચી હતી.

આ સમગ્ર અકસ્માત થતાની સાથે જ નજીકના ખેતરમાં કામ કરતા એક ખેડૂત દોડી આવ્યા હતાં અને તેઓએ 108ને ફોન કરી જાણ કરી હતી. 108 આવે તે પહેલાં જ એક યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બંને આશાસ્પદ યુવકોના મોતના પગલે શહેરના કોળી સમાજમાં શોકની લાગણી છવાઈ છે. હાલ કોડીનાર પંથકમાં આ અકસ્માતના પગલે ચકચાર મચી જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published.