////

મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વડોદરામાં બનશે 183 MLDના બે નવા સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના ૩ મહાનગરોમાં માળખાકીય સુવિધા વિકાસ સહિતના રસ્તા, STP તેમજ જનભાગીદારી હેઠળના વિવિધ કામો માટે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રૂપિયા 259.67 કરોડ મંજૂર કર્યા છે.

મુખ્યપ્રધાને આ હેતુસર વડોદરા મહાનગરપાલિકાને રૂપિયા 248.27 કરોડ ફાળવ્યા છે. વડોદરા મહાનગરમાં અટલાદરા ખાતે 83 MLDના નવિન સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ તરસાલી ખાતે 100 MLDના નવિન સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એમ કુલ 183 MLDની ક્ષમતાના બે સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે તેમણે આ રકમ મંજૂર કરી છે. આ બે નવા STP ઉપરાંત વડોદરા મહાનગરના હયાત STPના અપગ્રેડેશન માટે પણ આ નાણામાંથી ખર્ચ કરાશે.

મુખ્યપ્રધાને આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશાને વેગ આપતાં વિકાસ કામો માટે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મહાપાલિકા-નગરપાલિકાઓને સીધી જ નાણાં-ગ્રાન્ટ ફાળવણીનો અભિગમ અપનાવ્યો છે. મુખ્યપ્રધાને નાણાંકીય વર્ષ 2020-21માં અત્યાર સુધી કુલ રૂપિયા 2241.61 કરોડની રકમ મહાનગરો-નગરોને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવી છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરી સડક યોજનામાં મહાનગરપાલિકાને રૂપિયા 6 કરોડ 79 લાખની ગ્રાંટ ફાળવી છે. તદઅનુસાર, ગાંધીનગર મહાનગરમાં સેકટર 24, 25, 26 અને 27ના આંતરિક રસ્તાઓનું રિસરફેસીંગ કામ અને સેકટર-17ના 5.83 કિ.મી તેમજ સે-19ના 5.24 કિ.મી.ની લંબાઇના આંતરિક રસ્તાઓનું રિસરફેસીંગ કામ આ રાશિમાંથી હાથ ધરાશે.

આ ઉપરાંત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભાવનગર મહાનગરપાલિકાને જનભાગીદારીના કામો અન્વયે ખાનગી સોસાયટીમાં પેવીંગ બ્લોક નાખવાના કામો અને ડ્રેનેજ લાઇન, પાણીની લાઇન, સ્ટ્રીટ લાઇટ વગેરે જનવિકાસ કામો માટે 60 લાખ રૂપિયા ફાળવ્યા છે. તેમણે ભૂજ નગરપાલિકાને આ હેતુસર રૂપિયા 4 કરોડની ફાળવણી કરી છે. મુખ્યપ્રધાનના આ પારદર્શી અને ત્વરિત નિર્ણાયકતા પૂર્ણ અભિગમને પરિણામે રાજ્યના મહાનગરો-નગરોને વિશ્વકક્ષાના સ્માર્ટ સિટીઝ તરીકે વિકસીત થવાનો માર્ગ વધુ સરળ થયો છે.

Leave a Reply

Your email address will not be published.