/////

કોલકાતાની ટીમના આ બે ખેલાડી થયા કોરોના સંક્રમિત, અમદાવાદમાં રમાનારી આજની મેચ કરાઇ રદ

કોરોનાની ઝપેટમાં હવે આઈપીએલ પણ આવી ગઈ છે. આજે સોમવારે અમદાવાદ ખાતે રમાનારી કોલકાતા નાઈટ રાઈડર્સ અને બેંગલુરુની મેચ ટાળવામાં આવી છે. આ મેચ હવે પછીથી રમાશે. મળતી માહિતી મુજબ કોલકાતાની ટીમના બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યારબાદ આ નિર્ણય લેવાયો છે. વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર કોરોના પોઝિટિવ આવ્યા છે.

આઈપીએલની 14મી સિઝનની 30મી મેચ સોમવારે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) નો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથે થવાનો હતો. આ મેચ સાંજે 7.30 વાગે શરૂ થવાની હતી.

કોરોનાકાળમાં બીસીસીઆઈએ મજબૂત બાયો બબલનો હવાલો આપ્યો હતો ત્યારબાદ અત્યાર સુધીમાં 29 મેચ સફળતાપૂર્વક આયોજિત થઈ હતી. ચેન્નાઈ અને મુંબઈના તબક્કાની તમામ મેચો પૂરી થઈ, પરંતુ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સીઝનની 30મી મેચ હાલ રદ કરાઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,68,147 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 3689 દર્દીના મોત નિપજ્યા છે અને 3,00,732 દર્દી સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી છે.

આમ, નવા કેસ આવતાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને કુલ 1,99,25,604 પર પહોંચી ચૂકી છે. જ્યારે દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં દેશમાં અત્યાર સુધી કુલ 1,62,93,003 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં કોરોનાના 34,13,642 કેસ એક્ટિવ છે. જ્યારે કુલ 2,18,959 લોકોના આ મહામારીથી મોત નિપજ્યાં છે. આ મહામારીથી બચવા માટે 15,71,98,207 એ વેક્સિન લઇ લીધી છે.

Leave a Reply

Your email address will not be published.