મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ શિવસેનાના હિન્દુત્વ પર પ્રશ્ન ઉઠાવે છે. મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસની છબી ખરાબ કરવાના પ્રયત્નો કરે છે. આ સાથે જ તેમણે પહેલીવાર સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં પુત્ર આદિત્ય ઠાકરેનું નામ લાવવા પર મૌન તોડ્યું છે.
ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં ઠાકરે શિવાજી પાર્ક સ્થિત વીર સાવરકર સભાગારમાં પાર્ટીની વાર્ષિક દશેરા રેલીમાં કહ્યું કે, હવે એક વર્ષ થઈ ગયું છે. જે દિવસે હું મુખ્યમંત્રી બન્યો ત્યારથી સતત એમ કહેવામાં આવે છે કે, હવે મારી સરકાર પડી જશે. હું પડકાર ફેંકુ છું કે, જો તમારામાં હિંમત હોય તો આમ કરીને બતાવો. ઠાકરેએ કહ્યું કે, રાજ્યમાં શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધન છે અને અમે 28 નવેમ્બરે એક વર્ષ પૂરું કરીશું.
વધુમાં તેમણે પીએમ મોદીનું નામ લીધા વગર કહ્યું કે, આજે આપણે અરાજકતા તરફ આગળ વધી રહ્યા છીએ. તેઓ પોતાના સહયોગીઓ સાથે દગો કરે છે. તેઓ મિત્રતાની વાત કરે છે અને પછી પોતાના જ મિત્રોની પીઠમાં છૂરો મારે છે. તેઓ બિહારમાં વિધાનસભા ચૂંટણી બાદ નીતિશકુમાર સાથે પણ આ જ પ્રકારનો વ્યવહાર કરશે.
પહેલીવાર સુશાંત સિંહ રાજપૂત કેસ ઉપર ઉદ્ધવ ઠાકરેએ મૌન તોડ્યું. સુશાંતના મોત મામલે પોતાના પુત્ર આદિત્ય ઠાકરે પર લાગેલા આરોપો પર તેમણે કહ્યું કે, તેઓ બિહારના પુત્રને ન્યાય અપાવવા માટે શોર મચાવી રહ્યા છે અને મહારાષ્ટ્રના પુત્રના ચરિત્ર હરણમાં લાગ્યા છે. આદિત્યનું અને તેના પરિવારનું નામ લઈને સતત ચરિત્ર હરણ કરવાની કોશિશ થઈ રહી છે પરંતુ તેમને પોતાના પરિવાર અંગે કોઈ સ્પષ્ટતા કરવાની જરૂર નથી.