/

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કચ્છ પ્રવાસે, આજે સરપંચો અને આગેવાનો સાથે કરશે વાર્તાલાપ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કચ્છ જિલ્લાના બે દિવસીય પ્રવાસે છે. જેમાં ગૃહપ્રધાન ધોરડો ખાતે આયોજિત સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમમાં સરપંચ સાથે સંવાદ કરીને પ્રેરક માર્ગદર્શન આપશે.

બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજના હેઠળ હાથ ધરાયેલા પ્રોજેકટો અંતર્ગત ચર્ચા કરાશે. આ યોજનામાં 60 ટકા કેન્દ્ર સરકારની અને 40 ટકા રાજય સરકારની હિસ્સેદારી છે. આ યોજના હેઠળ દેશના 16 રાજયો અને 2 કેન્દ્ર શાસિતમાં 111 જેટલા સરહદી જિલ્લાઓમાં 396 બ્લોક આવરી લેવાયા છે. જેમાં મુખ્યત્વે માર્ગો, પુલ, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વાસ્થ્ય, સુખાકારી, ખેતી ક્ષેત્ર સામાજિક સેવાઓ, શિક્ષણ, રમતગમત, મોડલ વિલેજ સહિતના વિવિધ વિકાસકામો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં 1638 પ્રોજેકટ હેઠળ રૂપિયા 19,375,48 લાખનો ખર્ચ કરાયો છે. જેમાં કચ્છ જિલ્લામાં 1002, બનાસકાંઠા જિલ્લામાં 355 અને પાટણ જિલ્લામાં 281 પ્રોજેકટ પૂર્ણ કરાયા છે.

ધોરડો ખાતે આયોજિત આ કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ યોજાનારા મુખ્ય કાર્યક્રમના પ્રારંભે મુખ્ય સચિવ અનિલ મુકીમ દ્વારા સ્વાગત પ્રવચન અને બી.એસ.એફ.ના અધિકારીઓ દ્વારા કામગીરીનું પ્રેઝન્ટેશન રજુ કરાશે. ઉપરાંત સરપંચઓ પણ પોતાના અનુભવોનું આદાન-પ્રદાન કરશે. ત્યારબાદ કેન્દ્રિય ગ્રામિણ વિકાસ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર, રાજયના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી ઉદબોધન કરશે. કાર્યક્રમ દરમિયાન હોમ મિનિસ્ટર્સ સ્પેશ્યલ ઓપરેશન મેડલ એનાયત કરાશે.

આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અમિત શાહ કચ્છની કુળદેવી આશાપુરા માતાના મંદિર માતાના મઢ ખાતે દર્શનાર્થે જશે.

મહત્વનું છે કે કેન્દ્રિય ગૃહપ્રધાનના બે દિવસીય પ્રવાસમાં જિલ્લાના ધોરડો ખાતે રાજ્યના ત્રણ સરહદી જિલ્લાના સરપંચો-આગેવાનો સાથે યોજાનાર સંમેલનમાં ભાગ લેવા માટે આજે ગુરૂવારે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ તેમજ કેન્દ્રિય ગ્રામીણ વિકાસ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર, ભૂજ ખાતે મોડી રાત્રે આવી પહોંચ્યા હતાં. જયાં તેમનું ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, રાજ્ય પ્રધાન વાસણભાઇ આહિર, સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રધ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, ગૃહ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, કલેકટર પ્રવિણા ડી.કે, પશ્ચિમ કચ્છ એસ.પી.સૌરભસિંઘ અને અગ્રણી કેશુભાઇ પટેલ, શૈલેન્દ્રસિંહ જાડેજા સહિત જિલ્લાના સ્થાનિક આગેવાનોએ ભુજ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું.

આજે ગુરૂવારે સવારે 10 કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગ્રામિણ વિકાસ કૃષિ અને ખેડૂત કલ્યાણ, પંચાયત રાજયપ્રધાન નરેન્દ્રસિંહ તોમર, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના કલ્યાણ અને પ્રવાસન રાજય પ્રધાન વાસણભાઇ આહિર ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published.