///

કેન્દ્રીય પ્રધાન અમિત શાહે મિશન બંગાળ હેઠળ બાંકુરામાં રેલીને સંબોધન કર્યું

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાલમાં બે દિવસ માટે પશ્ચિમ બંગાળના પ્રવાસ પર છે. ત્યારે આજે તેઓ બાંકુરા પહોંચ્યા હતા. તેઓ અહીં ભાજપ સંગઠનની બેઠકમાં ભાગ લેવાની સાથે આદિવાસીઓના ઘરે ભોજન પણ કરશે. માનવામાં આવી રહ્યું છે કે, અમિત શાહે આવતા વર્ષે બંગાળામાં થનારી ચૂંટણીની તૈયારીઓની શરુઆત કરી દીધી છે.

અમિત શાહ બુધવારે રાત્રે પ્લેનમાં કોલકત્તા પહોંચ્યા હતા. જ્યાં પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ, રાષ્ટ્રિય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકલ રાયે તેમનું સ્વાગત કર્યું. આજે હેલિકોપ્ટરથી તેઓ બાંકુરા પહોંચ્યા હતા. ત્યાંથી રોડ માર્ગે તેઓ પુઆબાગન પહોંચ્યા હતા. જ્યાં તેમણે બિરસા મુંડાની મૂર્તિ પર માલ્યાપર્ણ કર્યુ હતુ.

આ દરમિયાન બાંકુરામાં રેલીને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, આજે બિરસા મુંડાની પ્રતિમાને નમન કરીને બંગાળના પ્રવાસની શરૂઆત થઈ છે. કાલ રાતથી આ પ્રકારનો ઉત્સાહ અને સાહસ જોવા મળી રહ્યા છે. મમતા વિરુદ્ધ જનઆક્રોશ જોવા મળી રહ્યો છે. જનતા સુધી કેન્દ્રની મદદ પહોંચતી નથી. ખેડૂતોને મદદ મળતી નથી. આદિવાસીઓને સુવિધાઓ મળતી નથી.

તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં મમતા સરકારની વિરુદ્ધ ભયંકર જનાક્રોશ છે. દમન ચક્ર ભાજપી કાર્યકર્તાઓ પર મમતા સરકારે ચલાવ્યું છે. હું નિશ્ચિત રીતે જોઈ રહ્યો છું કે, મમતા સરકારનો મૃત્યુઘંટ વાગી ચૂક્યો છે. આવનારા દિવસોમાં અહીં ભાજપ બે તૃત્યાંશથી બહુમતી સરકાર બનવા જઈ રહી છે.

અમિત શાહે કહ્યું કે, ભારત સરકારની અનુસૂચિત જાતિના લોકો-પછાતો માટે બનેલી 80થી વધુ યોજનાઓ મમતા દીદી રોકીને બેઠા છે. તેઓ જો વિચારતા હોય કે કેન્દ્રની યોજનાઓ રોકી લેશે તો ખોટું છે. તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં બે તૃતિયાંશ બહુમતીથી ભાજપની સરકાર બનવા જઈ રહી છે. તેમણે જનતાને અપીલ કરી કે આવનારી ચૂંટણીમાં આ જનવિરોધી સરકારને ઉખાડી ફેંકો.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમિત શાહ બાંકુરાના રવિન્દ્ર ભવનમાં સંગઠનની બેઠકમાં ભાગ લેશે. બેઠક બાદ ગૃહપ્રધાન ચતુર્ડિહી ગામ માટે રવાના થશે. ગામમાં શાહ એક આદિવાસી પરિવારને ત્યાં જમશે. ચર્તુડિહ ગામમાં તેમના સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. રાત સુધીમાં તેઓ કોલકત્તા પાછા ફરશે. શુક્રવારે તેઓ અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.

Leave a Reply

Your email address will not be published.