////

નાયબ મુખ્યપ્રધાન બાદ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા બન્યા પેજ પ્રમુખ

ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અત્યાર સુધી પોતાના વોર્ડમાં પેજ પ્રમુખ બની ચૂક્યા છે. ત્યારે હવે આ યાદીમાં વધુ એક નામ સામેલ થઈ ગયું છે. જેમાં હવે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાનું નામ સામેલ થયું છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા પણ પેજ પ્રમુખ બન્યા છે. તેઓ પાલિતાણા વિધાનસભાના 122 નંબરના બૂથ પરના પેજ પ્રમુખ બન્યા છે. તેઓએ ભાવનગર જિલ્લા પ્રમુખને પોતાના પેજની યાદી સોંપી છે. ભાજપ પ્રમુખ સીઆર પાટીલે તમામ સાંસદો, ધારાસભ્યોને પેજ સમિતિનું કામ પૂર્ણ કરવા ટકોર કરી હતી. જેના બાદ આ સિલસિલો શરૂ થયો છે.

ત્યારે હવે ભાજપમાં દિગ્ગજ નેતાઓ પેજ પ્રમુખ બનીને મોટી ભૂમિકા ભજવી રહ્યાં છે. જેમાં પ્રદેશ પ્રમુખ, મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન બાદ હવે કેન્દ્રીય પ્રધાન પણ પેજ પ્રમુખ બન્યા છે. તાજેતરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ વિશે આહ્વાન કર્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા અગાઉ જાહેર સભામાં કહેવામાં આવ્યું હતું કે, જેને પણ વિધાનસભાની ટિકિટ જોઈતી હોય તેઓએ પહેલાં પોતાનું પેજ મજબૂત કરવું પડશે. સાથે તેમણે કહ્યું કે, કામ કરશે એને જ ટિકિટ મળશે. વોર્ડમાં સારું પ્રદર્શન કરવા માટે પેજની ટીમ મજબૂત હોય એ જરૂરી છે અને સમયે તેનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે.

મહત્વનું છે કે, સૌથી પહેલા સીઆર પાટીલ પેજ પ્રમુખ બન્યા હતા. ત્યાર બાદ પ્રદેશ પ્રમુખની આ ટકોરને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલી રૂપાણી પેજ પ્રમુખ બન્યા હતા. રૂપાણી દંપતીએ પેજ પ્રમુખ બનીને પોતાનું પેજ મજબૂત કર્યું હોવાનો સંદેશો આપ્યો હતો. ત્યારબાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પેજ પ્રમુખ બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published.