/////

કોરોનાના વધતા સંકટને પગલે ઉત્તરાખંડ સરકારે ચાર ધામની યાત્રા કરી સ્થગિત

દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે કોરોનાના વધી રહેલા કેસને પગલે ચાલુ વર્ષે ઉત્તરાખંડ સરકારે ચારધામની યાત્રા રદ્દ કરવાની જાહેરાત કરી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી સીએમ તીરથ સિંહ રાવતે 29 એપ્રિલે ગુરુવારે કહ્યું કે, આ વર્ષે ચારધામ યાત્રા નહીં થાય. ચારધામના મંદિરમાં માત્ર પુજારી જ પુજા કરશે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે જણાવ્યું કે, કોરોનાની વિકટ પરિસ્થિતને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકારે ચાલુ વર્ષે ચાર ધામ યાત્રા સ્થગિત કરી છે તેમજ માત્ર ચાર મંદિરના પૂજારી ધાર્મિક વિધિ અને પૂજા-અર્ચના કરશે.

મહત્વનું છે કે, ગત વર્ષે પણ કોરોના વાયરસ સંક્રમણને કારણે અમરનાથ યાત્રા રદ્દ કરવામાં આવી હતી. ત્યારે ચાલુ વર્ષે પહેલા અમરનાથ યાત્રા માટે 28 જૂનથી 22 ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી.

દેશમાં કોરોના મહામારી તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત સાતમા દિવસે ભારતમાં કોરોનાના ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા હતા અને સતત બીજા દિવસે 3200થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

સાથે જ એક્ટિવ કેસનો આંકડો 30 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,79,257 નવા કોરોનાના કેસ આવ્યા અને 3645 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,69,507 લોકો ઠીક પણ થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.

Leave a Reply

Your email address will not be published.