///

દિલ્હીમાં વેક્સિન પૂરી થઇ જતા 18+ લોકોનું વેક્સિનેશન અટક્યું : CM અરવિંદ કેજરીવાલ

કોરોના સંક્રમણ અને કોરોના વેક્સિનેશનને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે શનિવારે પત્રકાર પરિષદ યોજી હતી. તેમને કહ્યું કે, દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે સાવચેતી રાખવાનું છોડી દઈએ. તેમણે જાણકારી આપી કે દિલ્હીમાં આજથી 18 કરતા વધુ ઉંમરના લોકોનું વેક્સિનેશન બંધ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે વેક્સિનના જેટલા ડોઝ મોકલ્યા હતા તે પૂરા થઈ ગયા છે. તેના કારણે ઘણા વેક્સિન સેન્ટરોને બંધ કરી દેવામાં આવ્યા છે. જે થોડા ડોઝ વધ્યા છે તે આજે સાંજ સુધીમાં પૂરી થઈ જશે.

તેમણે કહ્યું કે, કાલ એટલે કે રવિવારથી યુવાઓના વેક્સિનેશનના બધા સેન્ટર બંધ થઈ જશે. તેમણે કહ્યું કે અમે કેન્દ્ર સરકાર પાસે વેક્સિનના ડોઝની માગ કરી અને અમને વેક્સિન મળશે એટલે ફરી વેક્સિનેશનનું કામ શરૂ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે દિલ્હીને દર મહિને 80 લાખ વેક્સિનની જરૂર છે. તેના બદલે મેમાં માત્ર 16 લાખ વેક્સિન મળી છે. જૂન માટે કેન્દ્રએ કોટા ઘટાડીને આઠ લાખ કરી દીધો છે. અત્યાર સુધી દિલ્હીમાં 50 લાખ વેક્સિન લાગી છે અને દિલ્હીના બધા યુવાઓ માટે હજુ અમારે અઢી કરોડ વેક્સિનની જરૂર છે.

કેજરીવાલે કહ્યુ કે, જો આ ગતિથી અમને વેક્સિન મળી તો માત્ર દિલ્હીના યુવાનોને વેક્સિન લગાવવામાં 30 મહિના લાગી જશે. આટલા સમયમાં તો કેટલી લહેરો આવશે અને કેટલા લોકોના મોત થશે. હોસ્પિટલ, બેડ, આઈસીયૂ અને વેન્ટિલેટર જેવી સુવિધાઓની વ્યવસ્થા તો અમે કરી રહ્યાં છીએ, પરંતુ કોરોનાના ઘાતક પરિણામથી બચવા માટે વેક્સિન અસરકારક છે. વેક્સિનની કમી માત્ર સરકારની ચિંતા નથી, પરંતુ સામાન્ય લોકો તેનાથી ડરેલા છે.

કેજરીવાલે કેન્દ્રને ચાર સલાહ આપી

  • ભારત બાયોટેક કંપની જે કોવેક્સીન બનાવે છે, તે પોતાની ફોર્મૂલા બીજી કંપનીઓને આપવા તૈયાર છે તો દેશમાં વેક્સિન બનાવતી બીજી અન્ય કંપનીને બોલાવી આ ફોર્મૂલાથી વેક્સિન બનાવવાનો આદેશ આપો.
  • બધી વિદેશી વેક્સિનને ભારતમાં ઉપયોગની મંજૂરી આપવામાં આવે અને વિદેશી વેક્સિન નિર્માતાઓ સાથે કેન્દ્ર સરકાર વાત કરે. આ કામ રાજ્ય સરકારો પર ન છોડવું જોઈએ.
  • ઘણા રાજ્યો જે પોતાની જનસંખ્યાના મુકાબલે વધુ વેક્સિન જમા કરી રહ્યું છે તેની સાથે કેન્દ્રએ વાત કરવી જોઈએ. આવી ઘટના રોકવી જોઈએ.
  • વિદેશી વેક્સિનની કંપનીઓને ભારતમાં પણ ઉત્પાદનની મંજૂરી આપવામાં આવે.

Leave a Reply

Your email address will not be published.