///

વડનગર: તાના-રીરીની યાદમાં CM રૂપાણીએ સંગીત વિશ્વ વિદ્યાલયનું કર્યું ઈ-લોકાર્પણ

સંગીતની દુનિયામાં તાનસેનનું નામ જ્યારે લેવામાં આવે છે ત્યારે મહેસાણા જીલ્લાના ઐતિહાસિક નગર વડનગરની તાના અને રીરીનું નામ પણ લેવામાં છે. સુર સમ્રાજ્ઞી અને સંગીતના સુરો જેમના જીવન સાથે વણાયેલા છે એવી સંગીત બેલડી બે બહેનો તાના અને રીરીની યાદમાં વડનગર મુકામે સંગીત કોલેજ શરૂ કરવામાં આવી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદહસ્તે ગાંધીનગરથી વડનગર મુકામે તાનારીરી નામથી શરૂ કરાયેલી પર્ફોમિંગ આર્ટસ કોલેજનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વડનગર ખાતે તાના અને રીરીની યાદમાં વિધિવત રીતે તાનારીરી પર્ફોમિંગ આર્ટસ કોલેજ નામની સંગીત કોલેજ શરૂ કરવામાં આવી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન અને ઐતિહાસિક નગર એવા વડનગરમાં ઘણી ઐતિહાસિક વાતો પણ વણાયેલી છે.

ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાનારીરી પર્ફોમિંગ આર્ટસ કોલેજનું ઈ લોકાર્પણ કર્યું છે, આથી કલા સંગીત ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા અને કલા સંગીતની સુષુપ્ત શક્તિઓને શિક્ષણના માધ્યમથી ઉજાગર કરવા માટે આ સંગીત કોલેજ શરુ કરવામાં આવી છે. વડનગર ખાતે પ્રથમ સંગીત યુનિવર્સીટી બનાવવાનો નિર્ણય કરાયો હતો પરંતુ સંગીત કોલેજના માધ્યમથી વિદ્યાર્થીઓનો રસ જાણ્યા બાદ સંગીત યુનિવર્સીટી બનાવવાનો નિર્ણય કરવામાં આવનાર છે.

વડનગર ખાતે શુભારંભ કરવામાં આવેલી તાનારીરી પર્ફોમિંગ આર્ટસ કોલેજમાં ભારત નાટ્યમ, કથ્થક અને કુચીપુડી જેવા નૃત્યોનું શિક્ષણ આપવામાં આવશે. તો સાથે જ સંગીતના શાસ્ત્રીય સુરો ના શિક્ષણ સાથે હાર્મોનિયમ,તબલાં,વાંસળી જેવા વિવિધ પ્રકારના વાદ્યોનું પણ શિક્ષણ સંગીત કોલેજમાં આપવામાં આવનાર છે. આમ,સંગીત ક્ષેત્રે કલા અને સંગીતમાં શિક્ષણ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ ડીપ્લોમા, સ્નાતક અને અનુસ્નાતક સુધી સંગીતમાં અભ્યાસ કરી કારકિર્દી બનાવી શકશે.

Leave a Reply

Your email address will not be published.