///

વડોદરા અકસ્માત: રાષ્ટ્રપતિ કોવિંદ, પીએમ મોદી અને સીએમએ ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી

ગુજરાતના વડોદરા જિલ્લામાં આવેલા વાઘોડિયા ક્રોસિંગ હાઈવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 12 લોકો કાળનો કોળિયો બન્યા છે. જ્યારે 17થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી છે. ત્યારે આ અકસ્માત અંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, દેશના વડાપ્રધાન મોદી તેમજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યુ છે.

દેશના રાષ્ટ્રપતિ તરફથી ટ્વીટ કરીને અકસ્માત અંગે દુ:ખ પ્રકટ કરવામાં આવ્યું છે. પ્રેસિડન્ટ ઓફ ઈન્ડિયાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને જણાવ્યું કે, વડોદરામાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માત અંગે જાણીને દુ:ખ થયું. હું ઈજાગ્રસ્તોના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, વડોદરામાં અકસ્માતમાં મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને જલ્દી સ્વસ્થ થાયે તેવી પ્રાર્થના. વહીવટી તંત્ર શક્ય એટલી તમામ મદદ કરી રહ્યું છે.

આ અકસ્માત અંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, વડોદરા નજીક આહીર સમાજના લોકોના ગમખ્વાર અકસ્માતથી ખુબ જ દુઃખ થયું છે. મૃતકોના શોકાતુર પરિવાર સાથે ટેલિફોનિક વાત કરી સાંત્વના પાઠવી હતી. ઈજાગ્રસ્ત લોકોની ઝડપી સારવાર માટે તંત્રને તમામ સૂચનાઓ આપી. મૃતકોના આત્માને શાંતિ મળે અને ઈજાગ્રસ્ત લોકો ઝડપથી સ્વસ્થ થાય તે જ ઈશ્વરને પ્રાર્થના.

આપને જણાવી દઈએ કે, વડોદરાના વાઘોડિયા ક્રોસિંગના બ્રીજ પર વહેલી સવારે સુરતથી પાવાગઢ જઈ રહેલો ટેમ્પો કન્ટેનર સાથે ધડાકાભેર અથડાયો હતો. આ અકસ્માતમાં સુરતના 12 લોકો મોતને ભેટ્યા હતા. જ્યારે 16 લોકોને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.