///

બિહાર વિધાનસભાના નવા સ્પીકર બન્યા વિજય સિન્હા

બિહાર વિધાનસભાને નવો સ્પીકર મળી ગયો છે. જેમાં NDAના ઉમેદવારના રૂપમાં ઉતરેલા ભાજપના ધારાસભ્ય વિજય કુમાર સિન્હા સ્પીકર તરીકે ચૂંટાયા છે, તેમની સામે મહાગઠબંધને RJDના ધારાસભ્ય અવધ બિહારી સિંહને ઉતાર્યા હતા. જેમાં વિજય સિન્હાના પક્ષમાં 126 મત પડ્યા હતા. જોકે આ પહેલા ક્યારેય પણ ભાજપના ખાતામાં વિધાનસભાના સ્પીકરની બેઠક ગઇ નથી પરંતુ આ વખતે પાર્ટીએ સારૂ પ્રદર્શન કરી રાજ્યના રાજકારણનું સમીકરણ બદલી નાખ્યું છે.

વિજય સિન્હા એ લખીસરાય બેઠક પરથી ધારાસભ્ય છે. આ બેઠક પર તે આ વખતે સતત ત્રીજી વખત ચૂંટાયા છે. વર્ષ 2015માં જ્યારે આરજેડી અને જેડીયુએ મળીને ચૂંટણી લડી હતી તે સ્થિતિમાં પણ વિજય સિન્હાનો દબદબો લખીસરાયમાં રહ્યો હતો અને ભાજપની ટિકિટ પર જીત મેળવી હતી. વિજય સિન્હાએ જેડીયુના રામાનંદ મંડલને હરાવ્યા હતા. વર્તમાન ચૂંટણીમાં વિજય સિન્હા સામે મહાગઠબંધનના ઉમેદવાર તરીકે કોંગ્રેસના અમરેશ કુમાર હતા. અમરેશ કુમારને વિજય સિન્હાએ 10 હજારથી વધુ મતના અંતરથી ચૂંટણીમાં હરાવ્યા હતા.

આ ઉપરાંત વિજય સિન્હાને ધારાસભ્યની સાથે-સાથે સરકારનો પણ અનુભવ છે. નીતિશ કુમાર સરકારમાં તે શ્રમ સંસાધન પ્રધાન રહ્યા છે. વિજય સિન્હા ભૂમિહાર જાતિમાંથી આવે છે. એવામાં તેમની નિયુક્તિને સામાજિક સમીકરણને સંતુલિત કરવાની રીતે પણ જોવામાં આવી રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published.