////

તળાવ ખોદવામાં સરપંચનો ભ્રષ્ટાચાર, જીદે ચડેલા ગ્રામજનોને પોલીસે કર્યા ડીટેઇન

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના તવડી ગામમાં આવેલી 64 વીઘા જમીનમાં 18 ફૂટ તળાવ ખોદવાની પરવાનગી મળી હતી. પરંતુ સરપંચે તળાવને ગેરકાયદેસર રીતે 35 ફૂટ ખોદી કાઢ્યું હતું. જેને કારણે ગ્રામજનોએ સરપંચ અને તલાટી પાસે ગ્રામ પંચાયતમાં ભરવાના થતા રૂપિયા ભરવાની માંગણી કરી હતી. પરંતુ સંતોષકારક જવાબ ન મળતા તંત્રમાં 9 મહિનાઓથી રજૂઆતો કરી હતી, પણ તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા ગ્રામજનો રોષે ભરાયા હતાં. જેમાં આજે ફરી કલેક્ટરને રજૂઆત કરવા પહોંચતા વિવાદ વકર્યો હતો.

તવડી ગામે તળાવ મુદ્દે છ માસ અગાઉ પણ તકરાર થઇ હતી. ગામના યુવાનોએ સરપંચ પાસેથી ભંડોળનો હિસાબ માંગતા સરપંચ કેતન પટેલ અને યુવાનો વચ્ચે તકરાર થઈ હતી. તે સમયે કરોડો રૂપિયાનો હિસાબ ન મળતા ગુરૂવારે વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે.

નવસારી કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચેલા તવડી ગામના ગ્રામજનોએ કલેક્ટર નીચે આવીને આવેદનપત્ર સ્વિકારે તેવી જીદ પકડી હતી. જેમાં પોલીસે મધ્યસ્થી બનીને ગ્રામજનોની વાત કલેક્ટર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કલેક્ટર નીચે ન આવ્યા અને ગ્રામજનો ઉપર જઈ આવેદન આપવા તૈયાર નહતા. જેમાં વિવાદ વકર્યો અને પોલીસે આવેદન આપવા આવેલા તવડીના તમામ ગ્રામજનોને બળજબરી પૂર્વક ડિટેન કરતા પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઝપાઝપી સહિત ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતાં.

Leave a Reply

Your email address will not be published.