////

આણંદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા 3 ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે, ત્યારે શહેરની સાથે સાથે હવે ગામડામાં પણ કોરોનાનો ભય લોકોને ફફડાવી રહ્યો છે. ત્યારે ગામડાઓમાં કોરોના સંક્રમણ વધતા ગ્રામજનો જાગૃત થઈને કોરોનાના સામે બચાવ માટેના નિર્ણયો લેવા લાગ્યા છે. આણંદ જિલ્લામાં છેલ્લા 15 દિવસોમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં અચાનક વધારો થતાં 3 ગામની ગ્રામ પંચાયતે સ્વૈચ્છિક લોકડાઉન લાગૂ કરી દીધુ છે.

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સીમરડા, સોજિત્રા તાલુકાનું પીપલાવ અને બોરસદ તાલુકાના વિરસદ ગામમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધવાના કારણે ગ્રામજોને સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. જેનું તમામ વેપારીઓ પણ સમર્થન કરી રહ્યાં છે.

આ અગાઉ પીપલાવ ગામની ગ્રામ પંચાયતે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું હતુ, પરંતુ લોકો સરેઆમ તેનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. જેના પરિણામે ગામમાં કોરોના સંક્રમણનો ગ્રાફ ઉચકાવા લાગ્યો હતો. આખરે ગ્રામ પંચાયતે તમામ ગ્રામજનો અને વેપારીઓ સાથે બેઠક કરીને સખ્ત લોકડાઉન લાગૂ કરી દીધુ છે. જેમાં ગામમાં સવારે 12 વાગ્યા સુધી લોકોને વેપાર-ધંધાની છૂટ આપવામાં આવી છે.

આ લોકડાઉનની જાણકારી પોલીસ વહીવટી તંત્રને પણ આપી દેવામાં આવી છે. જેથી જો કોઈ ગ્રામ પંચાયતના નિર્ણયનું ઉલ્લંઘન કરે, તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આજ રીતે બોરસદ તાલુકાના વીરસદ ગામમાં કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. કોરોના વાઈરસની ચેઈનને તોડવા માટે વીરસદ ગ્રામ પંચાયતે એક અઠવાડિયા માટે એટલે કે 31 માર્ચ સુધી લોકડાઉન જાહેર કર્યું છે.

આ સિવાય દિવસના 1 વાગ્યા સુધી વેપાર-ધંધાને છૂટ આપવામાં આવી છે. જેમાં ગ્રામજનોને માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જ્યારે લોકડાઉનનો ભંગ કરનારા વિરુદ્ધ દંડ વસૂલવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત સીમરડા ગામમાં પણ સવારે 12 વાગ્યા સુધી લૉકડાઉનમાં છૂટ આપવામાં આવી છે. જે બાદ સખ્તીથી લૉકડાઉન લાગૂ કરવાની જાહેરાત ગ્રામ પંચાયતે કરી છે.

Leave a Reply

Your email address will not be published.