/////

ગુજરાતની 8 બેઠક પર મતદાન શરૂ, તમામ બુથ પર પોલીસની ચાંપતી નજર

કોરોના મહામારી વચ્ચે ગુજરાતની 8 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થઇ ગયું છે. જેમાં અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, ડાંગ, કપરાડા તથા કરજણ બેઠકની પેટાચૂંટણી માટે મતદાન શરૂ છે. મતદાતાઓ સવારે 7થી સાંજના 6 કલાક સુધી મતદાન કરી શકશે.

1807 મતદાન મથક સ્થળોમાં સમાવિષ્ટ 3024 મતદાન મથકો પર મતદાન યોજાશે. પ્રવર્તમાન કોવિડ 19ની સંક્રમણની મહામારીને ધ્યાને લઇ ભારતના ચૂંટણી પંચની ગાઇડલાઇન અનુસાર મતદાન મથક દીઠ મહત્તમ 1500 મતદારોના બદલે આ પેટાચૂંટણીમાં મહત્તમ 1 હજાર મતદારોનું મતદાન રાખવામાં આવ્યું છે.

આ મતદાનમાં 81 હરીફ ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમા સીલ થશે. જેના પરીણામની 10 નવેમ્બરના રોજ સવારે 8 કલાકે મતગણતરી શરૂ થશે.

ભારતના ચૂંટણી પંચના ધારા ધોરણો મુજબ પુરતા પ્રમાણમાં EVM, VVPAT મશીનની ફાળવણી કરવામાં આવી છે. જેમાં મતદાન મથકો ખાતે આશરે 419 માઇક્રો ઓબ્ઝર્વરોની નિયુક્તિ કરવામાં આવી છે. મતદાનના દિવસે આશરે 900 જેટલાં મતદાન મથકો ખાતેથી લાઇવ વેબકાસ્ટીંગ કરવામાં આવશે.

ચૂંટણી પર નિરીક્ષણ કરવા માટે 8 જનરલ ઓબ્ઝર્વર તેમ જ 8 ખર્ચ માટેના ઓબ્ઝર્વરની નિમણૂંક કરાઇ છે. ચૂંટણી ખર્ચ નિયંત્રણની કામગીરી માટે 27 ફલાઇંગ સ્કવોર્ડ, 27 સ્ટેટીક સર્વેલન્સ ટીમોની રચના કરાઇ છે. આ ઉપરાંત 18 વીડીઓ સર્વેલન્સ ટીમ, 8 વીડીયો વ્યૂઇંગ ટીમ અને 8 હિસાબી ટીમ તથા 8 મદદનીશ ખર્ચ નિરીક્ષકની નિમણૂંક કરાઇ છે.

કોવિડ ગાઈડલાઈન્સનું પાલન થાય તે માટે મતદાન મથકો પર આશરે 34,000 થર્મલ ગન, 41 હજાર એન 95 માસ્ક તથા 82 હજાર ડિસ્પોઝેબલ માસ્ક, 41 હજાર ફેસ શિલ્ડ, 41 હજાર રબ્બર હેન્ડ ગ્લોસ, અને મતદારો માટે આશરે 21 લાખ પોલીથીન હેન્ડ ગ્લોવ્સ આરોગ્ય વિભાગ દ્વારાચૂંટણી અધિકારીઓને આપવામાં આવ્યા છે. કોવિડ પોઝિટિવ અને શંકાસ્પદ મતદારો માટે અને પોલીસ પાર્ટી માટે 8 હજાર PPE કિટસની વ્યવસ્થા કરાઇ છે.

મતદાનના એક દિવસ પહેલાં આજે મંગળવારે તમામ મતદાન મથકો સેનિટાઇઝ કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત મતદાન એજન્ટો, અધિકારીઓ, સુરક્ષા કર્મીઓ અને મતદારોના ઉપયોગ માટે મતદાન કેન્દ્રો પર પુરતા પ્રમાણમાં સેનિટાઇઝર, સાબુ અને પાણી ઉપલબ્ધ રાખવામાં આવશે. મતદાનના દિવસે મતદાન મથકો પર કોવિડ હેલ્પ ડેસ્ક ગોઠવવામાં આવશે. તાલીમ દરમિયાન, ડિસ્પેચ સમયે, મતદાનના દિવસે, રીસીવીંગ સમયે અને મતગણતરીના દિવસે તબીબી કટોકટીને પહોંચી વળવા માટે મોબાઇલ તબીબી ટીમો તૈયાર રાખવામાં આવશે.

ભાજપ ઉમેદવાર

ભાજપએ અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, લીંબડીથી કિરીટ સિંહ રાણા, મોરબીથી બ્રિજેશ મેરજા, ધારીથી જેવી કાકડિયા, ગઢડાથી આત્મારામ પરમાર, કરજણથી અક્ષય પટેલ, ડાંગથી વિજય પટેલા અને કપરાડાથી જીતુ ચૌધરીને મેદાનમાં ઉતાર્યાં છે.

ઉલ્લેખનિય છે કે આ તમામ ઉમેદવારોમાંથી 5 કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો પણ છે. જેઓ રાજ્યસભા ચૂંટણી પહેલા રાજીનામું આપીને ભાજપમાં સામેલ થઈ ગયા હતા.

કોંગ્રેસ ઉમેદવાર

ગ્રેસે પેટાચૂંટણીમાં અબડાસાથી શાંતિલાલ, લીંબડીથી ચેતન ખાચર, મોરબીથી જયંતિલાલ પટેલ, ધારીથી સુરેશ કોટડિયા, ગઢડાથી મોહન સોલંકી, કરજણથી કિરીટ સિંહ જાડેજા, ડાંગથી સૂર્યકાંત ગાવિત અને કપરાડાથી બાબુભાઈ પટેલ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.