////

ગુજરાત પેટાચૂંટણીઃ 8 બેઠકો પર મતદાન પૂર્ણ, 10 નવેમ્બરે પરિણામ

ગુજરાતમાં 3 નવેમ્બરના રોજ 8 વિધાનસભા બેઠક પર મતદાન યોજાયું હતું. મતદાન સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી કરવામાં આવ્યું હતું. રાજ્યની આ પેટાચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

વિધાનસભા પેટાચૂંટણીના મતદાનની શરૂઆત થતાં જ કેટલાંક સ્થળો પર EVMમાં ખામીની ફરિયાદ ઉઠી હતી. કોરોનાકાળ દરમિયાન યોજાયેલા મતદાનમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. સાંજે 6 કલાક સુધીમાં સરેરાશ 58 ટકા મતદાન થયું હતું.

પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. રાજ્યના તમામ 8 બેઠકો પર ઉમેદવારના ભાવી EVMમાં કેદ થયા છે. છેલ્લા કલાકોમાં પણ મતદારોમાં સામાન્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. ગત વિધાનસભાની પેટા ચૂંટણી કરતા ઓછું મતદાન થયું છે.

વિધાનસભાની પેટાચૂંટણીમાં ધારી, લીંબડી, મોરબી, અબડાસા, કરજણ, ગઢડા, ડાંગ અને કપરાડા વિધાનસભા બેઠક પર મતદાન પૂર્ણ થયું છે. 8 બેઠકો પર 3024 જેટલા મતદાન કેન્દ્રો પર મતદાન યોજાયું હતું. જેમાં કુલ 81 ઉમેદવારોના ભાવી EVMમાં કેદ થયા છે.

ચૂંટણી પર નિરીક્ષણ કરવા માટે 8 જનરલ ઓબ્ઝર્વર તેમ જ 8 ખર્ચ માટેના ઓબ્ઝર્વરની નિમણૂંક કરાઇ હતી. ચૂંટણી ખર્ચ નિયંત્રણની કામગીરી માટે 27 ફલાઇંગ સ્કવોર્ડ, 27 સ્ટેટીક સર્વેલન્સ ટીમોની રચના કરાઇ હતી. આ ઉપરાંત 18 વીડીઓ સર્વેલન્સ ટીમ, 8 વીડીયો વ્યૂઇંગ ટીમ અને 8 હિસાબી ટીમ તથા 8 મદદનીશ ખર્ચ નિરીક્ષકની નિમણૂંક કરાઇ હતી.

6 વાગ્યા સુધીમાં 8 વિધાનસભા બેઠક પર થયેલું મતદાન

  • મોરબી 51.88%
  • અબડાસા 61.31%
  • ડાંગ 74.71%
  • ધારી 45.74 %
  • ગઢડા 47.86 %
  • કપરાડા 67.34 %
  • લીંબડી 56.04 %
  • કરજણ 65.94 %

Leave a Reply

Your email address will not be published.