///

અમને 303 સીટો માત્ર સત્તા માટે નહીં, સુધારા માટે મળી છે: નરેન્દ્રસિંહ તોમર

નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન દિવસેને દિવસે ઉગ્ર બનતું જઈ રહ્યું છે. ત્યારે આ દરમિયાન કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, સરકાર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને ફરીથી વાતચીત કરવા માટે આમંત્રણ આપશે. એક ઈન્ટર્વ્યૂમાં તોમરે કહ્યું કે, જનતાએ 303 સીટ સાથે જનાદેશ માત્ર સત્તા માટે જ નહીં, પરંતુ સુધારા કરવા માટે આપ્યો છે. કૃષિ પ્રધાને નોટબંધી અને GSTને સુધારો ગણાવતા કહ્યું કે, ભારતને બદલવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આથી જ જનતાએ 2019માં પાર્ટીને જંગી બહુમતથી જીતાડી છે.

નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળમાં અનેક સુધારા કરવામાં આવ્યા. લોકોએ કહ્યું, નોટબંધી કરી, તો હવે સરકારની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ. GST આવ્યું તો બોલ્યા, સરકાર જશે. જ્યારે બીજા કાર્યકાળમાં દેશની જનતાએ નરેન્દ્ર મોદીને 287ની જગ્યાએ 303 સીટો જીતાડીને આપી. ત્યારે આનો સીધો અર્થ છે કે, નરેન્દ્ર મોદી પાસેથી દેશ ઈચ્છે છે કે, જે સુધારા રાજનીતિક સ્વાર્થના પગલે અને રાજકીય દબાણ અને વોટબેંકની રાજનીતિના કારણે જે સુધારા આજ સુધી નથી થઈ શક્યા તેની ઉપરવટ જઈને મોદીજી કામ કરે.

સાથે જ ખેડૂતોના વિરોધને શાંત કરવા માટે આગામી પગલા વિશે પ્રશ્ન પૂછવા પર તોમરે જણાવ્યું કે, કેટલાક ખેડૂતો સાથે ચર્ચા થઈ છે. 9 ડિસેમ્બરે સરકાર તરફથી મોકલવામાં આવેલા પ્રસ્તાવ પર તેમના ઉત્તરની રાહ જોવાઈ રહી છે. સરકાર તરફથી સુધારાના પ્રસ્તાવ પર જવાબ આવ્યા બાદ ફરીથી વાતચીત કરવા માટે તૈયાર છે. સરકાર કૃષિ કાયદાને પરત લેવા માટે તૈયાર નથી. તેમણે જલ્દી સમસ્યાનું સમાધાન શોધવા માટેની વાત કહી છે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે, જે સુધારાને ખેડૂતો સમજે છે કે તેમના માટે ફાયદાકારક નથી, તેની સમીક્ષા કરવા માટે અમે તૈયાર છીએ. વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે, તેઓ પરાળી અને વીજ બિલને લઈને પણ ચિંતિત છે. અમે તેના પર પણ વાત કરવા માટે તૈયાર છીએ. સંસદમાં આ કાયદામાં પરિવર્તનને લઈને પૂછેલા પ્રશ્ન પર તોમરે કહ્યું કે, આ નાના કાયદાઓ છે. જે વર્ષોથી અટક્યાં છે. આ સુધારા UPA સરકાર પણ કરવા માંગતી જ હતી.

નોંધનીય છે કે, નરેન્દ્રસિંહ તોમરે ભાજપ કિસાન મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજકુમાર ચાહર સાથે વાતચીત કરી છે. જે બાદ કૃષિ ભવનમાં ભારતીય કિસાન યુનિયનના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published.