દિલ્હી ક્રાઈમ વેબ સીરિઝને ડ્રામા કેટેગરીમાં ઈન્ટરનેશનલ એમ્મી એવોર્ડ્સ 2020થી સમ્માનિત કરવામાં આવી છે. આ વેબ સીરિઝ બેસ્ટ ડ્રામા સીરિઝની શ્રેણીમાં આર્જેન્ટિના, જર્મની અને UKના શૉની સાથે-સાથે ઈન્ટરનેશનલ એમ્મીઝમાં હરિફાઈમાં હતા. આ શૉની પ્રથમ સિઝન વર્ષ 2012માં થયેલા નિર્ભયા દુષ્કર્મ કાંડની કહાનીનો આધાર લેવામાં આવ્યો છે.
આ વેબ સીરિઝમાં શેફાલી શાહ, રાજેશ તૈલંગ, આદિલ હુસૈન, રસિકા દુગ્ગલ, ગોપાલ દત્ત તિવારી, જયા ભટ્ટાચાર્ય, અભિલાષા સિંહ, વિનોદ શારાવત, મૃદુલ શર્મા, અનુરાગ અરોરા અને સિદ્ધાર્થ ભારદ્વાજ જેવા કલાકાર છે. તો આ વેબ સીરિઝના લેખક-ડિરેક્ટર ઋષિ મેહતા છે. આ એવોર્ડ મળ્યા બાદ સોશિયલ મીડિયા પર તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, આ સિરીઝ આવી હતી, ત્યારે લોકોમાં આકર્ષિતનું કેન્દ્ર પણ બની હતી. તો બીજી બાજુ નિર્ભયા દુષ્કર્મ કાંડ દરમિયાન વસંત વિહાર પોલીસ સ્ટેશનના SHO રહેલા અનિલ શર્મા આ સીરિઝના નિર્માતાઓથી નારાજ જોવા મળ્યા હતા. તેમનું કહેવું હતું કે, આ ફિલ્મમાં પોતાના પાત્રને જે રીતે રજૂ કરવામાં આવ્યું છે, તેના વિરુદ્ધ તેઓ કાયદેસરની કાર્યવાહી કરશે.
આ ઉપરાંત અનિલ શર્માનું કહેવું છે કે, નિર્ભયા જ્યારે હોસ્પિટલમાં હતી, ત્યારે તે દરરોજ તેના ખબરઅંતર પૂછવા હોસ્પિટલમાં જતા હતા. નિર્ભયાના પરિવારને પોતાનો પરિવાર માનીને તેમણે એક પણ સુનાવણી છોડી નથી. આજે પણ તેઓ નિર્ભયાના પરિવારના સંપર્કમાં છે. જો કે તેમણે દાવો કર્યો કે, ડિરેક્ટર મેહતાએ તેમની માફી માંગી છે.