///

આખરે કોંગ્રેસ પાર્ટી કઈ વાતની માફી માગે : શશિ થરૂર

તાજેતરમાં પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઈને પાકિસ્તાનની સંસદમાં ઇમરાન ખાનના પ્રધાનની કબુલાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું છે. તો હવે વડાપ્રધાન તરફથી વિપક્ષ પાસે આ મુદ્દા પર માફી માંગવાની વાત કોંગ્રેસને પસંદ આવી નથી. કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શશિ થરૂરે હવે તેને લઈને ભાજપને પ્રશ્ન પૂછ્યો છે.

પાકિસ્તાનના મંત્રીનું નિવેદન આવ્યા બાદ ભાજપે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધતા દેશની માફી માગવાની માગ કરી હતી. ત્યારે કેન્દ્રીય પ્રદાન પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, ષડયંત્રની કહાનીઓ ઘડવા અને હુમલાને લઈને આપવામાં આવેલા નિવેદનો પર કોંગ્રેસે માફી માગવી જોઈએ. તેના પર જવાબ આપતા તિરૂવનંતપુરમના સાંસદ શશિ થરૂરે કહ્યુ કે, હજુ હું તે જાણવાનો પ્રયાસ કરી રહ્યો છું કે, આખરે કોંગ્રેસ કઈ વાતની માફી માગે.

વધુમાં થરૂરે જણાવ્યું, ‘હું હજુ તે વાતને સમજી શકતો નથી કે, કોંગ્રેસ પાર્ટીએ કઈ વાતની માફી માગવી પડશે? શું તે વાત માટે કે અમે આશા કરીએ કે અમારી સરકાર આપણા જવાનોની સુરક્ષાની ખાતરી કરે? અથવા તે માટે કે અમે આ રાષ્ટ્રીય ત્રાસવાદીનું રાજનીતિકરણ ન કર્યું? કે પછી શહીદોના પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરવા માટે અમારે માફી માગવી પડશે?’

અત્રે એ ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારમાં પ્રધાન ફવાદ ચૌધરીએ ગુરૂવારે સંસદમાં સ્વીકાર્યુ હતું કે, પુલવામામાં CRPFના કાફલા પર થયેલા હુમલામાં પાકિસ્તાનનો જ હાથ હતો. પુલવામા હુમલો પાકિસ્તાનની સફળતા છે. પુલવામા હુમલો ઇમરાન ખાન માટે એક ઉપલબ્ધિ છે. બાદમાં ફવાદે પોતાના નિવેદનોથી સફાઈ આપી અને કહ્યુ કે, મારી વાતનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો, તે આતંકવાદની નિંદા કરે છે.

Leave a Reply

Your email address will not be published.