////

મ્યુકોરમાઈકોસિસથી બચવા માટે શું કરવું જોઈએ, કઈ રીતે ફેલાય રહ્યો છે આ રોગ

રાજ્યમાં કોરોનાના કેસમાં ધીરે ધીરે રાહત મળી રહી છે, ત્યારે વધુ એક બીમારીનો ખતરો મંડરાયો છે. કોરોનાના ઘટતા સંક્રમણ વચ્ચે મ્યુકોરમાઈકોસિસના કેસોમાં વધારો થયો છે. સરકાર દ્વારા હાલ આ ચેપી રોગને મહામારી ઘોષિત કરવામાં આવી છે. સરકાર અને તંત્ર સામે નવો પડકાર ઉભો થયો છે. મ્યુકોરમાઈકોસિસનો કહેર વધતાં હાલ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકર એક્સપર્ટ કમિટી કાર્યરત કરવામાં આવી છે.

મ્યુકોરમાઈકોસિસ એ ફુગથી થતો એક ગંભીર રોગ છે. મ્યુકોરમાઈકોસિસના ફુગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે. ખાસ કરીને માટીમાં સૌથી વધારે જોવા મળે છે. આ રોગ માનવીના શ્વાસ અને શરીર થકી પ્રવેશ કરે છે. ઈમ્યુનિટિ પાવર ઓછો હોય તેવા લોકોમાં સૌથી વધારે અસર થાય છે જેથી માનવીની ઈમ્યુનિટિ વધારે હોવી જરુરી છે.

આ ઉપરાંત અનકંટ્રોલ્ડ ડાયાબિટિઝ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, લાંબા સમયથી સ્ટિરોઈડ આપવામાં આવતું હોય, ત્વચા પરની કોઈ સર્જરી કે ઘા હોય તેવા લોકોને આ રોગ થવાની સંભાવના વધારે હોય છે.

મ્યુકોરમાઈકોસિસ રોગથી બચવા માટે N95 માસ્ક અથવા ડબલ માસ્ક પહેરવું જોઈએ. વધારે ધૂળ ઉડતી હોય તેવી જગ્યા પર જવાનું ટાળવું જોઈએ. જો તમારા શરીર પર કોઈ ઘા છે તો તેના તેને તરત જ સાબુ વડે સાફ કરી દેવું જોઈએ. આ રોગ માટે એમ્ફેટેરિસિન-બી, પોસાકોનાઝોલ કે ઈસાવ્યુકોનાઝોલ જેવી દવાઓને ઉપયોગમાં લેવામાં આવી રહી છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઈકોસિસના 1500થી પણ વધુ કેસો નોંધાયા છે. રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસના પ્રકોપને જોતા રૂપાણી સરકારે આ રોગને મહામારી જાહેર કરી દીધી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મ્યુકોરમાઈકોસિસની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કૉલેજોએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published.