////

સોમનાથના દરિયા કિનારે ઉભા રહીને મહંમદ ગઝનીના વખાણ કરતો આ શખ્સ કોણ છે? વીડિયો થયો વાયરલ

હાલના દિવસોમાં રાજ્યમાં સોમનાથ મંદિર અંગે ટિપ્પણી કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વીડિયોમાં એક વ્યક્તિ દ્વારા આપવામાં આવી રહેલા ભડકાઉ નિવેદન પ્રત્યે લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ પણ હરકતમાં આવી છે અને તપાસ શરૂ કરી દીધી છે.

સોશિયલ મિડીયામાં 3 મિનિટ અને 24 સેકન્‍ડના વાઈરલ થયેલા વીડિયો સોમનાથ મંદિરની પાછળના ભાગે અડધા કિ.મી. દૂર મરીન પોલીસ ચોકીની સામેના દરિયા કિનારે ભિડીયા વિસ્‍તારમાં રેકોર્ડ થયા હોવાનું અનુમાન છે. જેમાં એક વ્યકિત જોવા મળી રહ્યો છે. જેની ઓળખ ઈર્શાદ રશીદ તરીકે થઈ છે. ઈર્શાદ “જમાત-એ-આદિલા હિન્દ” નામે યુ-ટ્યૂબ ચેનલ ચલાવે છે. ઈર્શાદે સેલ્ફી મોડમાં એક વીડિયો શૂટ કર્યો છે.

જેમાં પોતાના વીડિયોમાં ઈર્શાદ હિન્દી અને ઉર્દુમાં મહંમદ ગઝનવીએ સોમનાથ મંદિરને લૂંટયાની ઘટનાને બિરદાવતો જોવા મળી રહ્યો છે. કોઈ વિધર્મી દ્વારા સોમનાથના ઇતિહાસને ઠેસ પહોંચાડતા વાક્યોના ઉચ્‍ચારણોથી હિન્‍દુ સમાજમાં રોષની લાગણી પ્રસરી છે. તો બીજી બાજુ સોમનાથ મંદિરની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.

ત્યારે ઉલ્લેખનીય છે કે, સોમનાથ મહાદેવનું મંદિર આતંકવાદીઓના હિટલિસ્ટમાં છે. આથી અહીં સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. સોમનાથ મંદિરને Z+ સુરક્ષા આપવામાં આવી હોવાથી અહીં SRP, ઘોડે સવાર પોલીસ, હોમગાર્ડ અને GRD સહિતનો પોલીસ કાફલો કાયમી તૈનાત રહે છે.

હવે સોમનાથ મંદિર પરનો આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. સોમનાથ મંદિર ટ્રસ્‍ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ પોલીસમાં વીડિયો બનાવનાર શખ્‍સ વિરુદ્ધ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.