/

જામનગરના ધ્રોલમાં સરાજાહેર હત્યા કરનાર કોણ ? કઇ રીતે કરી હત્યા ? શા માટે કરાઇ હત્યા ?

જામનગરના ધ્રોલમાં થયેલી હત્યા મામલે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે..ધ્રોલના ત્રિકોણ બાગ વિસ્તારમાં દિવ્યરાજસિંહ જાડેજા નામના યુવાનની પાંચ રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યા કરી નાખી હતી જો કે હત્યારાઓ પૈકી બે શખ્સોને મોરબી પોલીસે ઝડપી પાડ્યા હતા.પોલીસ તપાસમાં ટોલનાકાના કોન્ટ્રાક્ટ અને જમીનની અદાવતમાં રાજસ્થાનથી આવેલા શાર્પશૂટરોએ હત્યા કરી હોવાનું ખૂલ્યુ છે જ્યારે હથિયારો હરિયાણાથી આવ્યા હોવાનું બહાર આવ્યુ છે જેને પણ હરિયાણા પોલીસે ઝડપી પાડ્યો છે.

જામનગર જિલ્લાના ધ્રોલમાં શુક્રવારની બપોરે સરાજાહેર ફાયરિંગ થયુ. દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુભા જાડેજા ધ્રોલના ત્રિકોણબાગ નજીક પોતાની કારમાં બેસવા માટે જતા હતા ત્યારે તેના પર ફાયરિંગ કરવામાં આવ્યુ અને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. બનાવની જાણ થતા પોલીસે રાજકોટ રેન્જમાં નાકાબંધી કરી અને આરોપીઓની કારના નંબરને આધારે શોધખોળ કરી. દરમિયાન આ નંબરની કાર ટંકારા તરફથી મોરબી શહેરમાં આવી હોવાની બાતમીના આધારે પોલીસે તેને રોકી હતી. પહેલા તો આ શખ્સોએ કાર પોલીસ પર ચડાવવાનો પ્રયાસ કર્યો બાદમાં પોલીસે આ કારમાં રહેલા બંન્ને શખ્સો અનિરુધ્ધસિંહ સોઢા અને મુસ્તાક પઠાણને ઝડપી પાડ્યા હતા.આ બંન્ને શખ્સોએ હત્યાની કબૂલાત કરી હતી જ્યારે તેની સાથે રહેલા બે શાર્પશૂટરો સોનુ અને બબલુ રસ્તામાં ઉતરી ગયા હોવાનું સામે આવ્યુ હતુ.પોલીસે બંન્ને શખ્સોને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે હથિયારોની સપ્લાય કરનાર હરિયાણાના પલવલના રહેવાસી અજીત ઠાકુરને હરિયાણા પોલીસને માહિતી આપી પકડી પાડેલ છે જેનો કબ્જો લેવા ટીમને હરિયાણા મોકલી આપેલ છે…

કઇ રીતે કરી હત્યા ?

પોલીસના કહેવા પ્રમાણે દિવ્યરાજસિંહ અને અનિરુધ્ધસિંહ વચ્ચે ઝધડો ચાલતો હતો જેનો ખાર રાખીને હુમલાનું કાવતરૂ ઘડ્યુ હતુ.આ કાવતરામાં ઓમદેવસિંહ જાડેજા કે જેમને દિવ્યરાજસિંહ સાથે જમીનનો ઝધડો ચાલતો હતો તેઓ પણ જોડાયા હતા.બંન્નેએ આ માટે રાજસ્થાનથી સોનુ અને બબલુ નામના બે શાર્પશૂટરો બોલાવવામાં આવ્યા હતા.જ્યારે હથિયારો હરિયાણાના પલવલ રહેતા અજીત ઠાકુર પાસેથી મંગાવવામાં આવ્યા હતા..ધ્રોલ રહેતા નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો નામના શખ્સે રેકી કરી હતી અને તેને આપેલા સમય અને સ્થળે જ્યારે દિવ્યરાજસિંહ પહોંચ્યો ત્યારે શાર્પશૂટર અને અનિરુધ્ધસિંહે સરાજાહેર ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા

શા માટે કરાઇ હત્યા ?

પોલીસના કહેવા પ્રમાણે દિવ્યરાજસિંહ અને અનિરુધ્ધસિંહને પડધરીના ટોલનાકાને લઇને ઝધડો ચાલતો હતો.બંન્ને વચ્ચે અગાઉ મારામારી પણ થઇ હતી જેનો અનિરુધ્ધસિંહને ખાર હતો..કહેવાય છે કે દુશ્મનના દુશ્મનો દોસ્ત બની જતા હોય છે તેમ દિવ્યરાજસિંહ સાથે અણબનાવ બનેલા ઓમદેવસિંહ અનિરુધ્ધસિંહ સાથે જોડાયા હતા..ઓમદેવસિંહ અને અનિરુધ્ધસિંહ વચ્ચે જમીનનો વિવાદ ચાલતો હતો જે હત્યાનું કારણ બન્યો હતો.

પોલીસના કહેવા પ્રમાણે પકડાયેલા બંન્ને શખ્સો પૈકી અનિરુધ્ધસિંહ વિરુધ્ધ રાજકોટ,જામનગર અને ચોટીલામાં મારામારી ,પ્રોહિબીશન અને આર્મસ એક્ટ હેઠળ ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે,જ્યારે મુસ્તાક પઠાણ વિરુધ્ધ રાજકોટ,મોરબી,સૂરત,વાંકાનેર અને રાજકોટ રૂરલમાં મારામારી અને હત્યાની કોશિશના ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે.

હાલમાં પોલીસે હત્યા માટે હથિયારો આપનાર હરિયાણાના પલવલમાં પકડાયેલા અજીત ઠાકુરનો કબ્જો લેવા ટીમ હરિયાણા રવાના કરી છે જ્યારે બંન્ને શાર્પશૂટરોને પકડવા માટે રાજસ્થાન તરફ તપાસ તેજ કરી છે,તો ધ્રોલના જ રહેવાલી ઓમદેવસિંહ અને નરેન્દ્રસિંહને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરી રહ્યા છે ત્યારે આ કેસને ફરાર આરોપીઓ પોલીસ સકંજામાં ક્યારે આવે છે અને હત્યા પાછળ ક્યાં ખુલાસાઓ થાય છે તે જોવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published.