ગાંધીનગરમાં હાલ વિધાનસભાનું બજેટ સત્ર ચાલુ છે. તેવામાં કોંગ્રેસે વિધાનસભામાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાંમાં પાસ થયેલા એમબીબીએસ ડોકટરોની નિમણૂક અંગે પશ્નો પુછયા હતાં. જેનો જવાબ નીતીન પટેલે આપ્યો હતો.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના છેવાડાના માનવીને ત્વરિત આરોગ્ય સારવાર મળી રહે એ માટે અમારી સરકાર કટીબદ્ધ છે. ભૂતકાળમાં નહોતું એવું પી.એચ.સી.-સી.એચ.સી.નું નેટવર્ક રાજ્ય સરકારે વિકસાવી દીધું છે એટલે ડૉક્ટરોની વધુ જરૂરીયાત છે. ડૉક્ટરોની અછતની સમસ્યા વર્ષોથી છે પરંતુ અમારી સરકારની દીર્ઘદ્રષ્ટિ અને સમયબદ્ધ આયોજનના પરિણામે આજે રાજ્યમાં MBBSની 5500થી વધુ બેઠકો ઉપલબ્ધ છે.
રાજ્યમાં MBBSનો અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ જતા રહે છે એનું એક કારણ હોતું નથી. MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પી.જી.માં અભ્યાસ માટે જાય ત્યારે તે પૂર્ણ થયા બાદ બોન્ડ વસુલવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, દ્વારકા જિલ્લામાં ચાર સી.એચ.સી. છે. જેમાં 12માંથી 10 ડૉક્ટરોની જગા ભરેલી છે સાથે સાથે જામનગરમાં મેડીકલ કોલેજ સહિત હોસ્પિટલની સુવિધા ઉપલબ્ધ છે. જયાં રોજના બે હજાર દર્દીઓને સેવાઓ પૂરી પાડવામાં આવે છે. એ જ રીતે દ્વારકામાં 23 પી.એચ.સી. છે તે તમામ પી.એચ.સી.માં ડૉક્ટરોની જગ્યાઓ ભરેલી છે અને આરોગ્ય સવલતો પૂરી પાડવામાં આવી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
ભૂતકાળમાં રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ભાવનગરમાં મેડીકલ કોલેજો હતી. આજે રાજ્યના મેાટાભાગના જિલ્લામાં મેડીકલ કોલેજો છે અને રાજ્યના એસ.સી., એસ.ટી., બક્ષીપંચ સહિત ગરીબ પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓને રૂા. 5,000ના નજીવા દરે MBBSનું શિક્ષણ પુરૂં પાડવાની સુવિધા ઉપલબ્ધ છે. આ માટે પ્રત્યેક ડૉક્ટર દીઠ રાજ્ય સરકાર રૂા. 25 લાખનો ખર્ચ કરે છે. ભૂતકાળમાં 1972માં રૂા. 5000નો બોન્ડ અને બે વર્ષની ગ્રામ્ય સ્તરે ડૉક્ટરની સેવાઓ લેવાતી હતી. આજે ગ્રામ્ય માટે ડૉક્ટરની સુવિધા મળી રહે તે માટે રૂા. 10 લાખના બોન્ડ અને એક વર્ષની સેવાઓ ગ્રામ્ય સ્તરે ફરજિયાત કરી છે. છેલ્લા એક વર્ષમાં રૂા.19 કરોડની રકમ બોન્ડ તરીકે વસુલાત કરવામાં આવી છે. આ માટે સ્પેશ્યલ મામલતદારની પણ નિમણૂક કરીને કડક કામગીરી કરવામાં આવી રહી છે.