///

કેજરીવાલના પ્રસ્તાવને મળી મંજૂરી, લગ્નસમારંભમાં ફક્ત 50 લોકો સામેલ થઈ શકશે

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખતા મુખ્યપ્રધામ અરવિંદ કેજરીવાલે લગ્નમાં મહેમાનોની સંખ્યા ઓછી કરવાને લઈને પ્રસ્તાવ મોકલ્યો હતો, જેને ઉપ રાજ્યપાલ અનિલ બૈજલે પરવાનગી આપી દીધી છે. ત્યારે હવે નવા નિયમ બાદ દિલ્હીમાં લગ્ન સમારંભમાં 50થી વધુ લોકોના સામેલ થવાની પરવાનગી નથી. મહત્વપૂર્ણ છે કે, અત્યાર સુધી 200 લોકોના લગ્ન સમારંભમાં સામેલ થવાની પરવાનગી હતી.

આ ઉપરાંત દિલ્હીમાં ફરી લોકડાઉન નહી લાગે. એક દિવસ પહેલા જ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે તેના સંકેત આપ્યા હતા. આ અંગે બુધવારે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે, અમારો લોકડાઉન લગાવવાનો કોઇ ઇરાદો નથી. બીજી તરફ ઉપ રાજ્યપાલ અનિલ બૈજલે દિલ્હીમાં યોજાનારા લગ્નમાં મહેમાનોની સંખ્યા 200થી ઘટાડીને માત્ર 50 રાખવાના કેજરીવાલ સરકારના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે. ત્યારે આ પ્રતિબંધ કેટલા દિવસ માટે હશે, તે સ્પષ્ટ નથી. જોકે, તેનાથી દિલ્હીના વેડિંગ માર્કેટ પર અસર પડી શકે છે. આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્નના સાત મોટા મૂહુર્ત છે.

સાથે જ મનીષ સિસોદિયાએ કહ્યુ કે, હું દુકાનદારોને વિશ્વાસ અપાવવા માંગુ છું કે, તેમણે ડરવાની જરૂર નથી. અમે ઇચ્છીએ છીએ કે તમારી દુકાનો ચાલુ રહે. જો જરૂર પડી તો કેટલાક બજાર માટે નિયમ પણ બદલાવવામાં આવશે. અમે કેન્દ્રને આ ભલામણ કરી છે, પરંતુ કોઇ પણ રીતનું લોકડાઉન નહી લાગે.

નોંધનીય છે કે, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે એક દિવસ પહેલા કહ્યું હતું, જો બજારમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટસિંગના નિયમોનું પાલન કરવામાં નથી આવી રહ્યુ અને તે જગ્યા કોરોના હોટ સ્પોટ બની શકે છે તો આવા બજારોને કેટલાક દિવસ બંધ કરવાની મંજૂરી મળવી જોઇએ. આ પ્રકારના પ્રસ્તાવ કેન્દ્રને મોકલવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.