///

આગ્રામાં મહિલા ડૉક્ટરની ઘરમાં ઘુસીને ચાકુ મારી હત્યા કરાઈ

યુપીના આગ્રામાં ધોળા દિવસે એક મહિલા ડૉક્ટરની ઘરમાં ઘુસીને ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. એક વ્યક્તિ સેટ ટોપ બોક્સ રિચાર્જ કરવાના બહાને ઘરમાં ઘુસ્યો હતો અને આ ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીએ ડેન્ટિસ્ટ ડૉક્ટર નિશા સિંઘલ પર ચાકુથી હુમલો કર્યો હતો અને તેનું ગળુ દબાવી હત્યા કરી નાખી હતી.

આ ઉપરાંત આ ઘટના જે સમયે બની ત્યારે નિશા સિંઘલના બન્ને બાળક ઘરમાં બીજા રૂમમાં હતા, તેનો એક બાળક આઠ વર્ષનો જ્યારે બીજો 4 વર્ષનો છે. ત્યારે હુમલાખોરે ડૉક્ટરના બાળકો પર પણ હુમલો કર્યો હતો પરંતુ તેઓ બચી ગયા હતા. ડૉક્ટર નિશા સિંઘલના પતિ અજય સિંઘલ એક સર્જન છે અને આ ઘટના સમયે તેઓ હોસ્પિટલમાં હતા. આ ઘટનાની જાણકારી મળતા જ તેઓ ઘરે પહોચ્યા હતા અને પોતાની પત્નીને લઇને હોસ્પિટલ આવ્યા હતા, જ્યાં મહિલા ડૉક્ટરનું મોત થયુ હતું.

આ ઘટનામાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીની ઓળખ કરી લીધી છે. જેમાં આરોપીનું નામ શુભમ પાઠક છે, પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે કેબલ ટીવી ટેકનિશિયન બનીને સિંઘલના ઘરમાં દાખલ થઈને આરોપી તેના ઘરને લૂંટવા માંગતો હતો. આરોપી ડૉક્ટર સિંઘલની હત્યા કરી અને બાળકો પર પણ હુમલો કર્યાના એક કલાક સુધી ઘરમાં જ રહ્યો હતો.

આ ઘટનાને લઈને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને યુપીના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ છે. અખિલેશ યાદવે ટ્વીટમાં લખ્યુ છે કે, આગ્રાના એક વિસ્તારમાં એક મહિલા ડૉક્ટરના ઘરમાં ઘુસીને ગળુ દબાવીને તેની હત્યા કરવાની ઘટનાથી રાજ્ય સ્તબ્ધ છે. ભારત સરકાર ભ્રષ્ટ અધિકારીઓને બચાવવા અને વિપક્ષને ખોટા કેસમાં ફસાવવામાં લાગેલી છે. સરકાર ટીવી પર પ્રચારની જગ્યાએ, ઉત્તર પ્રદેશમાં ગુનાઓ પર વિચાર કરે.

Leave a Reply

Your email address will not be published.