/

કોરોના વાયરસની મહામારી સામે મહિલાઓ સૈનિક બની, રોજગાર સાથે આશીર્વાદ મેળવતો સખીમંડળ

કોરોના વાયરસની મહામારી વૈશ્વિક ગંભીરરૂપ ધારણ કરી ચૂકી છે. ગુજરાતમાં પણ હાલમાં તેના અનેક કેસ થઈ ચૂક્યા છે. તેવા સમયમાં આ મહામારીમાં માસ્ક અને સેનિટાઈઝરની અછતનું નિર્માણ થયું છે. સમયાંતરે તંત્ર દ્વારા આ વસ્તુઓની અછત નિવારવાના પ્રયત્નો થઈ રહ્યા છે તેવા સંજોગોમાં જામનગર જિલ્લાના જુદાજુદા સખીમંડળોએ માસ્કની માંગને પૂરી કરવા નેમ લીધી છે અને માસ્કનું ઘર બેઠા ઉત્પાદન શરૂ કર્યું છે. જિલ્લા નેશનલ રૂરલ લાઈવલીહુડના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લાની કાલાવડ તાલુકાની સખી મંડળની બહેનો દ્વારા ઘરે જ માસ્ક બનાવી જિલ્લાની ગ્રામ વિકાસ એજન્સીને પહોંચાડવામાં આવે છે. તો અત્યાર સુધીમાં આ સખી મંડળની બહેનો દ્વારા બે લાખ જેટલા માસ્ક બનાવી લોકોને આપવામાં આવેલ છે.

આ સખીમંડળના સભ્યશ્રી ચંદ્રાબા જાડેજા કહે છે કે, “કોરોના મહામારીમાં જ્યારે લોકો પોતાનો રોજગાર છોડીને ઘરે બેઠા છે ત્યારે અમારા સખીમંડળોની બહેનો ઘરે બેઠા માસ્ક બનાવવાની પ્રવૃત્તિ દ્વારા આજીવિકા મેળવી રહી છે. અને આ પ્રવૃત્તિ દ્વારા રાષ્ટ્રસેવામાં સહભાગી બનવાની અમુલ્ય તક મળેલ છે જે માટે અમે ગર્વ અનુભવીએ છીએ.” આ માસ્ક બનાવવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલ સખીમંડળના સભ્યશ્રી ઉમાબા જાડેજાએ કહ્યું કે, “અત્યારે અમે ઘરકામ છોડી માસ્ક બનાવવાની પ્રવૃત્તિમાં સતત કાર્યરત છીએ જેથી જરૂરિયાતમંદ લોકો સુધી માસ્ક પહોંચાડી શકીએ અને સેવાકાર્યમાં સહભાગી થઇ શકીએ.” માસ્ક બનાવવાની પ્રવૃત્તિથી આ બહેનો એક દિવસના રૂ.૩૦૦ થી ૫૦૦ જેટલી આજીવિકા પણ મેળવી રહી છે.

આ થ્રી લેયર માસ્કની ગુણવત્તા પણ લેબોરેટરી દ્વારા ચકાસવામાં આવે છે. આ પ્રકારના ઉચ્ચ ગુણવત્તાના માસ્કની કિંમત રૂ.૮ રાખી આ બહેનો જામનગર જિલ્લામાં માસ્કની અછતને નિવારવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. કાલાવડ તાલુકાના ૧૬ સખીમંડળોની ૭૫ બહેનો દ્વારા આ થ્રી લેયર માસ્ક બનાવવાની પ્રવૃત્તિ કુલ ૧૦ ગામમાં ચાલુ છે. એક દિવસમાં એક બહેન દ્વારા ૮૦૦ થી ૧૦૦૦ માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. માસ્ક બનાવવા માટે આ બહેનોને કાપડ અને રબર પૂરા પાડવામાં આવે છે, જેનું રો-મટીરીયલ રાજકોટથી લાવવામાં આવે છે. માસ્ક બનાવવાની રૂ.૨ની મજૂરી પણ આ સખીમંડળની બહેનોને તેમની કામગીરી સામે ચૂકવવામાં આવે છે. આજે કોરોનાની મહામારીના સમયમાં મોં દ્વારા તેના વાઇરસનો ચેપ ન લાગે તેમજ શ્વાસોચ્છવાસ દ્વારા વાયરસ ફેલાય નહીં તેની તકેદારી રાખવા માસ્કનો ઉપયોગ વધ્યો છે. જો કે સ્વસ્થ વ્યક્તિને માસ્કની આવશ્યકતા નથી પણ જેમને શરદી-ખાંસી કે તાવ જેવા રોગો થયા હોય તેમણે માસ્ક પહેરવું હિતાવહ છે. આવનારા દિવસોમાં કાલાવડના તાલુકા વિકાસ અધિકારીશ્રી જયદિપસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ આ સખી મંડળોની બહેનો દ્વારા નિર્મિત માસ્ક કાલાવડ તાલુકાના દરેક ગામના પરિવારોમાં વહેંચવામાં આવશે.. તેમજ સાથે પરિવાર દીઠ એક સેનિટાઈઝરની બોટલ પણ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.