//

આ સંસ્થા પાવર લુમ્સમાં કામ કરતા શ્રમિકોને ઓરિસ્સાથી પરત સુરત લાવી

ઓરિસ્સાથી 1300 જેટલા પાવર લુમ્સમાં કામ કરતા શ્રમિકોને સુરત ખાતે પરત લઇ આવવા માટે સુરતથી બરહમપુર ગંજામ સુધી સ્પેશ્યલ શ્રમિક ટ્રેન રવાના થઈ હતી. લોકડાઉન દરમિયાન પોતાના વતન ગયેલા શ્રમિકો ફરીથી સુરત આવી આજીવિકા મેળવી શકે તે હેતુસર આજીવિકા બ્યુરો નામની સંસ્થા દ્વારા નિઃશુલ્ક ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આજે ગુરૂવારે વહેલી સવારે 5 કલાકે એક્સપ્રેસ ઓરિસ્સાથી 1300 કામદારોને લઈ સુરત પહોંચી હતી. ત્યારે ટ્રેનમાં આવેલા કામદારોનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. કદાચ કોઈ સ્વૈચ્છીક સંસ્થા દ્વારા કોઇપણ પ્રકારના આર્થિક લાભ વગર ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વાર બનનારી ઘટના હશે કે જેમાં 1300 જેટલા શ્રમિકોને ઓરિસ્સાથી નિઃશુલ્ક સુરત લઇ આવવામાં આવ્યા હોય.

સુરતમાં આશરે 6 લાખ જેટલા ઓરિસ્સા સમાજના લોકો રહે છે અને સુરતમાં આવેલા ઉદ્યોગિક વિસ્તારમાં આજીવિકા મેળવે છે. ખાસ કરીને પાવરલુમ્સ ઉદ્યોગમાં ઓરિસ્સા સમાજના શ્રમિક મોટી સંખ્યામાં કાર્યરત હોય છે. પરંતુ કોરોના કાળમાં તેઓ લોકડાઉન દરમિયાન લાખોની સંખ્યામાં સુરતથી પોતાના વતન ઓરિસ્સા ચાલ્યા ગયા હતાં. પરંતુ ત્યાં રોજગાર નહી મળવાના કારણે તેઓની સ્થિતિ ન હતી કે તેઓ ટિકિટ ખરીદી ફરી સુરત આવી રોજગાર મેળવી શકે. તે માટે આજીવિકા બ્યુરો નામની સંસ્થા દ્વારા નિઃશુલ્ક ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

શ્રમિકોની આર્થિક કફોડી સ્થિતિના કારણે સુરત ખાતે આવેલી સંસ્થા આજીવિકા બ્યુરો દ્વારા સ્પેશિયલ ખાલી ટ્રેન સુરતથી ઓરિસ્સાના ગંજામ મોકલવામાં આવી હતી. જેમાં એક ટ્રેન મોકલવા પાછળનો ખર્ચ આશરે 27થી 28 લાખ સુધીનો છે. સુરતથી ગયેલી આ ટ્રેન ગંજામથી આશરે 1300 જેટલા પાવરલુમ્સના શ્રમિકોને લઈ સુરત પરત આવી હતી.

Leave a Reply

Your email address will not be published.